ઑપરેશન કરતો રોબો અચાનક ખોટકાઈ ગયો

15 December, 2011 05:02 AM IST  | 

ઑપરેશન કરતો રોબો અચાનક ખોટકાઈ ગયો



(પ્રિયંકા વોરા)

મુંબઈ, તા. ૧૫

એવી પરિસ્થિતિની કલ્પના કરી જુઓ જેમાં એક દરદીને ઍનેસ્થેસિયા આપીને બેહોશ કરવામાં આવ્યો હોય, ડૉક્ટર એક કૉન્સોલ રૂમમાં બેસી  રોબોની સહાય વડે પ્રોસ્ટેટ કૅન્સરનું ઑપરેશન કરી રહ્યા હોય અને એવામાં અચાનક ઑપરેશનની વચ્ચે જ રોબો કામ કરતો બંધ થઈ જાય. આવાં જ કંઈક દૃશ્યો રોબોટિક અસિસ્ટેડ સર્જરી આપતી શહેરની એકમાત્ર બાંદરાની એશિયન હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં સર્જાયાં હતાં. એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ૬ ડિસેમ્બરે મહેન્દ્ર શાહ પર પ્રોસ્ટેટ કૅન્સરના ઑપરેશન માટે રોબોટિક અસિસ્ટેડ સર્જરી કરવામાં આવી હતી. મહેન્દ્ર શાહને ઍનેસ્થેસિયા આપ્યા બાદ સજ્ર્યને જરૂરી તમામ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મહેન્દ્ર શાહના શરીર પર સર્જરી કરવા માટે રોબોને ફિટ કરવામાં આવ્યો હતો, પરંતુ ઑપરેશનની વચ્ચે જ અચાનક રોબો કામ કરતો બંધ થઈ ગયો. કૉન્સોલ રૂમમાં બેસેલા સજ્ર્યન દ્વારા આપવામાં આવતા કોઈ પણ દિશા-નર્દિેશન મુજબ એ વર્તતો ન્ાહોતો. ઑપરેશન રૂમમાં હાજર બે ડૉક્ટરો તથા ઍનેસ્થેટિસ્ટની ગભરામણ વધી ગઈ હતી. ડૉક્ટરોએ રોબો ફરી પોતાનું કામ શરૂ કરે એ માટે તમામ પ્રયત્નો કરી જોયા, પરંતુ બધું જ વ્યર્થ ગયું હતું. છેવટે ઑપરેશન અટકાવવું પડ્યું અને દરદીને ફરી શુદ્ધિમાં લાવવામાં આવ્યો.

મહેન્દ્ર શાહે (તેમના પરિવારજનોને ખબર ન પડે તેઓ કૅન્સરના રોગથી પીડાય છે એ માટે નામ બદલ્યું છે) ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘હું બેહોશ હતો એટલે મને કંઈ યાદ નથી, પરંતુ રોબો કામ કરતો બંધ થઈ જતાં ઑપરેશન અટકાવવું પડ્યું હતું. હું ખૂબ જ વ્યથિત છું, પરંતુ મારી સર્જરી રોબો વડે જ કરાવવા માગું છું.’

આ ઑપરેશન કરનાર સિનિયર યુરો-ઑન્કોલૉજિસ્ટ ડૉ. વી. શ્રીનિવાસ કહ્યું હતું કે ‘રોબો એક મશીન છે જેના કોઈ પાર્ટમાં તકલીફ થઈ હશે. સોમવાર સુધીમાં એ ફરી કામ કરતો થઈ ગયો છે. આજે સવારે ફરી આ ઑપરેશન કરવામાં આવશે.’

જોકે રોબોની આ ભૂલની સજા તો દરદીએ જ ભોગવવી પડી હતી. મહેન્દ્ર શાહને હૉસ્પિટલે ૫૫,૦૦૦ રૂપિયાનું બિલ ફટકારતાં તેમણે આની સામે વાંધો ઉઠાવતાં તેમને આ બિલમાં માફી આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે રોબોટિક અસિસ્ટેડ સર્જરીનો કુલ ખર્ચ સાડાત્રણ લાખથી ચાર લાખ રૂપિયા હોય છે. મહેન્દ્ર શાહને આશા છે કે હવે કદાચ રોબો પોતાના કામમાં આળસ નહીં બતાવે. જોકે રોબો મૅન્યુફૅક્ચર કરતી કંપનીએ કહ્યું હતું કે રોબોએ ૬૦૦૦થી વધુ સર્જરી કરી છે અને ક્યાંય આવી સમસ્યા આવી નથી. એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જ ૨૫ જેટલી રોબોટિક અસિસ્ટેડ સર્જરી કરવામાં આવી છે.

કોણ છે આ રોબો?

દા વિન્ચી નામના આ રોબોની કિંમત અંદાજે ૧૧ કરોડ રૂપિયા છે, જે કૅલિફૉર્નિયાની એક કંપનીએ ૨૦૦૦ની સાલમાં બનાવ્યો છે. પોતાના કામમાં ખૂબ જ પ્રવીણ એવો આ રોબો ઘણા નાના ચીરાઓ મૂકે છે, જેથી ઓછું લોહી વહે છે તેમ જ દરદી જલ્દી સારો થાય છે.

નિષ્ણાતોનું મંતવ્ય

દિલ્હીની મેદાંતા મેડ સિટી હૉસ્પિટલના યુરોલૉજી ડિપાર્ટમેન્ટના  ચૅરમૅન ડૉ. નરેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ‘કુલ ૪૦૦ કેસમાંથી ૧૦ જેટલા કેસમાં સમસ્યા આવી હતી. એમાંની નવ સમસ્યા તો ઉકેલાઈ હતી, પરંતુ એક કેસમાં રોબોટિક અસિસ્ટેડ સર્જરીની જગ્યાએ ઓપન સર્જરી કરવી પડી હતી. ઑપરેશન કરતાં પહેલાં જ દરદીને સૂચના આપી દેવામાં આવે છે. તેમને રોબોટિક અસિસ્ટેડ સર્જરી કરાવવી છે કે ઓપન સર્જરી એ જાણ્યા બાદ જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે.