મારી નવી નવલકથા પૂરી કરવા મને સાડાત્રણ વર્ષ આપો,બસ

11 December, 2012 05:05 AM IST  | 

મારી નવી નવલકથા પૂરી કરવા મને સાડાત્રણ વર્ષ આપો,બસ




સાપ્તાહિક ‘અભિયાન’ના સ્થાપક-પ્રકાશક અવિનાશ પારેખે અશ્વિની ભટ્ટને પોતાની શ્રદ્ધાંજલિ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અશ્વિની ભટ્ટે અનેક પુસ્તકોના અનુવાદ કર્યા પછી તેમની એક નવલકથા લખી હતી. એ જમાનામાં રૂપાંતરિત નવલકથાઓનો દોર ચાલતો હતો અને એથી આ નવલકથા તેમના નામે પ્રકાશિત કરી શકાય એમ નહીં લાગતાં તેમણે આ નવલકથાના મૂળ લેખકનું નામ એસ. એ. વિન રાખ્યું અને રૂપાંતરકાર તરીકે અશ્વિની ભટ્ટ એમ નામ રાખીને પ્રકાશકને આપી. આ નવલકથા પ્રકાશિત થઈ ગઈ અને એને સારો આવકાર મળતાં પછી તેમને જાતે લાંબી નવલકથા લખવાનો વિશ્વાસ આવ્યો અને એ દિશામાં શરૂઆત કરી. પહેલી નવલકથા ‘લજ્જા સન્યાલ’ પછી તેમણે ‘નીરજા ભાર્ગવ’ અને ‘શૈલજા સાગર’ લખી. આ નવલકથાઓને વાચકોના સારા રિસ્પૉન્સ પછી ઐતિહાસિક બૅકડ્રૉપ હોય અને સાથે થિ્રલર હોય એવી ‘આશકા માંડલ’, ‘ઓથાર’, ‘અંગાર’ જેવી નવલકથાઓ લખી. સાપ્તાહિક ‘અભિયાન’ શરૂ થયું ત્યારે એમાં તેમની પહેલી નવલકથા ‘આખેટ’ સાડાત્રણ વર્ષ ચાલી, પછી તેમણે જ લખેલી નવલકથા ‘કટિબંધ’ પણ એટલો જ સમય ચાલી. ત્યાર પછી તેમણે એક મહિનામાં પૂરી થતી હોય એવી થોડી હ્યુમર ટાઇપની નવલકથાઓ ‘કસબ’, ‘કમઠાણ’ ‘સમાંતર પ્રવાહ’ અખબાર માટે લખી; જેને વાચકોએ સારો આવકાર આપ્યો હતો. હાલમાં તેઓ એક સસ્પેન્સ થિ્રલર નવલકથા લખી રહ્યા હતા. એની હસ્તલિખિત ૧૦૦ પાનાંની પ્રત મારી પાસે આવી ગઈ છે. આ નવલકથા વર્તમાન આતંકવાદ અને સમકાલીન પરિસ્થિતિ પર આધારિત છે. ’

અવિનાશ પારેખે જ્યારે અશ્વિની ભટ્ટનાં પત્ની નીતિબહેન સાથે ગઈ કાલે સવારે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અશ્વિનીભાઈને તો રવિવારે રાત્રે હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હૉસ્પિટલમાં તેમને લઈ જવાયા ત્યારે તેમણે ડૉક્ટરોને કહ્યું કે મારે હાથમાં લીધેલી નવલકથા પૂરી કરવી છે અને એના માટે મને સાડાત્રણ વર્ષ આપો, આ નવલકથા પ્રકાશિત થાય એ મારે જોવું છે. જોકે તેમની આ ઇચ્છા અધૂરી જ રહી ગઈ છે.’

અવિનાશ પારેખે આ વર્ષે માર્ચ મહિનામાં તેમની શ્રેણી ‘અલ્પવિરામ’ હેઠળ ‘જો આ મારું અંતિમ પ્રવચન હોય તો....’ માટે અશ્વિની ભટ્ટને ખાસ અમેરિકાથી આમંત્રિત કર્યા હતા અને તેમણે આપેલું એ પ્રવચન જોકે તેમનું અંતિમ પ્રવચન રહ્યું છે. તેઓ કહે છે, ‘મેં એક દિલોજાન મિત્ર અને અગ્રણી સાહિત્યકાર ગુમાવ્યો છે. મને એ વાતથી સંતોષ છે કે તેમના સમકાલીન સમયમાં મને તેમની સાથે રહેવાનો અને મિત્રતા કરવાનો મોકો મળ્યો છે. તેમણે અનેક પત્રકારોને ઘડ્યા છે. તેમનો અમદાવાદમાં પાલડી વિસ્તારનો બંગલો લોકો માટે સદા ખુલ્લો રહેતો. નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે કાર્ય કરતાં મેધા પાટકર સાથે તેમણે વિસ્થાપિતોના અધિકારો માટે પણ લડત ચલાવી હતી. આ યોજના સારી છે એ તેઓ જાણતા હતા, પણ વિસ્થાપિતોનું પણ ધ્યાન રાખવામાં આવે એમ તેઓ નિયપૂર્વક માનતા હતા.’

અનેક વ્યવસાયમાં હાથ અજમાવ્યો


૧૨ જુલાઈ ૧૯૩૬ના રોજ અમદાવાદમાં જન્મેલા અશ્વિની ભટ્ટના પિતા હરપ્રસાદ ભટ્ટ બાળમંદિરના શિક્ષક હતા. નાનપણથી જ તોફાની એવા અશ્વિનીભાઈએ બાળપણમાં અમદાવાદની બાળ-રંગભૂમિ પર કામ કર્યું હતું. ૧૪ વર્ષની વયે નેવીમાં જોડાઈ જવા માટે તેઓ ઘરેથી ભાગી પણ ગયેલા અને ચાર દિવસે પાછા પણ ફર્યા હતા. તેમની યુવાનીનો સમય સંઘર્ષમય રહ્યો હતો. તેમણે અનેક પ્રકારના વ્યવસાયમાં પણ હાથ અજમાવ્યો હતો; જેમાં પોલ્ટ્રી ફાર્મ, શાકભાજી વેચવી, સ્કૂલ-કૉલેજ માટે ફર્નિચર બનાવવું વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી તેમણે અનુવાદ પર હાથ અજમાવ્યો અને લેખો લખવાની શરૂઆત કરી અને એ સમયે ભાવનાત્મક વાર્તાઓનો દોર હતો ત્યારે અલગ રીતે નવલકથાઓ લખીને તેમણે નોખો ચીલો ચાતર્યો હતો.

અમેરિકામાં અશ્વિની ભટ્ટનું પંચોતેર વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકથી અવસાન


ગુજરાતી નવલકથાના જગતમાં અનોખી ભાત પાડતી ‘આખેટ,’ ‘ઓથાર,’ ‘અંગાર’ અને ‘આશકા માંડલ’ જેવી અનેક સસ્પેન્સ અને થિ્રલર નવલકથાઓના લેખક અને ઉમદા સર્જક અશ્વિની ભટ્ટનું લાંબી માંદગી બાદ અમેરિકાના ડલાસ શહેરમાં ગઈ કાલે રાત્રે એક વાગ્યે (સ્થાનિક સમય મુજબ) ૭૫ વર્ષની વયે હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. સદ્ગતના પરિવારમાં પત્ની નીતિબહેન, પુત્ર નીલ, પુત્રવધૂ કવિતા અને બે પૌત્ર તેમ જ ચાર બહેનોના વિશાળ પરિવારનો સમાવેશ છે. મૂળ અમદાવાદના અશ્વિની ભટ્ટ ઘણા સમયથી તેમના પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા.

૬૦ વર્ષ બાદ તેમને ત્રણ વાર હાર્ટની બીમારી થઈ હતી. આ વર્ષે માર્ચ મહિનામાં તેઓ ભારત આવ્યા હતા અને એક મહિનો રહ્યા બાદ પાછા અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે પ્લેન ઊપડે એ પહેલાં જ છાતીમાં દુખાવો ઊપડતાં તેમને પ્લેનમાંથી ડૉક્ટરોની દેખરેખ હેઠળ નીચે ઉતારવામાં આવ્યા હતા અને ૧૫ દિવસ સારવાર આપવી પડી હતી. છેલ્લા ચાર દિવસથી તેમની તબિયત સારી નહોતી અને ઉપચાર ચાલી રહ્યો હતો, પણ રાત્રે એક વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

અનેક પ્રકારના વ્યવસાયમાં હાથ અજમાવનારા અશ્વિની ભટ્ટે ઍલિસ્ટર મૅક્લેનનાં પુસ્તકોના અનુવાદ કરીને ગુજરાતી લેખનજગતમાં પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી લઘુનવલ ‘છૂપો ખજાનો’ એક બાળસાહિત્યના મૅગેઝિનમાં પ્રકાશિત થઈ હતી. ‘લજ્જા સન્યાલ’ તેમની પહેલી નવલકથા હતી. તેમની નવલકથામાં વાર્તાનો પ્લૉટ અને સ્થળની તેઓ ખૂબ જ કાળજીપૂર્વક પસંદગી કરતા હતા અને જાતે એ સ્થળે રહી, એના વિશેની બારીક માહિતી એકઠી કરીને એનું રસાળ શૈલીમાં એવું વર્ણન કરતા કે વાચક એ સ્થળે પહોંચી ગયો હોય એમ જ લાગતું. જગ્યાનું ધારદાર વર્ણન વાચકના દિમાગ પર છવાઈ જતું. તેમની નવલકથાઓ ખૂબ લાંબી અને અનેક ભાગોમાં વહેંચાયેલી હોવા છતાં એના વિષય અને અશ્વિનીભાઈની અનોખી રીતે સ્ટોરી રજૂ કરવાની સ્ટાઇલથી વાચક એમાં જકડાઈ રહેતો. તેમની નવલકથાઓ ગુજરાતી અખબારો અને સાપ્તાહિકોમાં ધારાવાહીરૂપે પ્રકાશિત થતી અને એક-એક નવલકથા સાડાત્રણ વર્ષ સુધી લંબાતી હોવા છતાં વાચકોનો રસ જાળવી રાખવામાં તેઓ સફળ રહેતા હતા.