12 September, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અષ્ટવિનાયક
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની રાજ્યના સત્તાવાર તહેવાર તરીકે થોડા વખત પહેલાં જ જાહેરાત થઈ છે ત્યારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આવેલાં ગણપતિનાં ૮ મંદિરો જે અષ્ટવિનાયક તરીકે પ્રખ્યાત છે એમને હવે ડેવલપ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે આ મંદિરોનો વિકાસ કરવાથી માત્ર ભાવિકોને જ સારી સુવિધા મળશે એવું નથી, ટૂરિઝમ વધવાને કારણે રાજ્યને પણ એનાથી સારીએવી આવક થશે.
અજિત પવારે આ મંદિરોના વિકાસકામની રિવ્યુ મીટિંગમાં અધિકારીઓને કહ્યું હતું કે મંદિરોને ડેવલપ કરવાનાં બધાં જ કામ સમયસર અને ઊંચી ગુણવત્તાનાં થવાં જોઈએ. એની સાથે જ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક વારસાનાં પણ દર્શન થાય એ બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. આ વિકાસકામ કરતી વખતે મંદિરના મૂળ સ્થાપત્યને નુકસાન ન પહોંચે એવી સૂચનાઓ તેમણે આપી હતી. હાલ અષ્ટવિનાયકનાં મયૂરેશ્વર (મોરગાવ), ચિંતામણિ ગણપતિ (થેઉર), વિઘ્નેશ્વર (ઓઝર), મહાગણપતિ (રાંજણગાવ), વરદ વિનાયક (મહાડ), સિદ્ધિવિનાયક (સિદ્ધટેક), બલ્લાળેશ્વર (પાલી)નાં ગણપતિ મંદિરોનું કામ ચાલી રહ્યું છે. ગિરિજાત્મજ (લેણ્યાદ્રિ) મંદિરમાં કોઈ કામ નહીં થઈ શકે, કારણ કે એ ગુફાની અંદર આવેલું છે.
મંદિર પરિસરમાં આવેલાં રહેઠાણોને હટાવીને એમને અન્યત્ર જગ્યા આપવામાં આવે અને મંદિરની આસપાસનાં નિયમબાહ્ય સ્ટ્રક્ચર્સ હટાવવામાં આવે એમ જણાવીને અજિત પવારે વધુમાં કહ્યું હતું કે ‘મંદિર પરિસરમાં પૂરતી ખુલ્લી જગ્યાઓ બનાવવામાં આવે. ઍમ્બ્યુલન્સ કે પછી ફાયર-બ્રિગેડ ત્યાં સહેલાઈથી અને ઝડપથી પહોંચી શકે એવી ખુલ્લી જગ્યા થવી જોઈએ જેથી એમને પહોંચવામાં મુશ્કેલી કે અંતરાય ન આવે.’