મૅરથૉનની પ્રૅક્ટિસમાં અવસાન પામેલા ઝિંદાદિલ ઇન્સાન કરીને ગયા દેહદાન

19 December, 2012 07:03 AM IST  | 

મૅરથૉનની પ્રૅક્ટિસમાં અવસાન પામેલા ઝિંદાદિલ ઇન્સાન કરીને ગયા દેહદાન



રોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટના ન્યુ માણેકલાલ એસ્ટેટની આશાપુરા સોસાયટીમાં રહેતા બાવન વર્ષના અશોક ચંપાલાલ કોઠારીનું મૅરથૉનની પ્રૅક્ટિસ કરતાં-કરતાં રસ્તામાં જ અવસાન થયું એને પગલે અઢી કલાકમાં ૨૧ કિલોમીટરનું અંતર કાપવાની તેમની મહેચ્છા અધૂરી રહી ગઈ છે. તેમણે ૨૦૧૦ની સાલમાં પહેલી વાર મુંબઈ મૅરથૉનમાં ત્રણ કલાક અને પાંચ મિનિટમાં ૨૧ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જોકે દાનમાં અગ્રેસર કોઠારીપરિવારે અશોક કોઠારીના અચાનક થયેલા મૃત્યુ બાદ તેમના મૃતદેહનું નડિયાદની નડિયાદ મેડિકલ કૉલેજ આયુર્વેદિક હૉસ્પિટલને દાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અશોકભાઈનાં માતાપિતાએ ઘણાં વષોર્ પહેલાં દેહદાન કરવાનો નિર્ધાર કરી લીધો છે. એનાથી પ્રેરિત થઈને અશોકભાઈએ તેમના મૃત્યુના એક અઠવાડિયા પહેલાં જ દેહદાન કરવાની તેમના કુટુંબીજનો વચ્ચે જાહેરાત કરી હતી. કોઠારીપરિવાર કહે છે, ‘અમારા પરિવારમાં દાનનો પ્રવાહ વર્ષોથી વહેતો આવ્યો છે. અશોકનું દેહદાન કરવા પાછળનો અમારો એક જ ઉદ્દેશ છે કે ક્યાંક અશોક જેવા સ્પોટ્ર્‍સના રસિયાને અશોકનાં ઑર્ગન્સથી નવું જીવન મળે અને એ મૅરથૉન કે ક્રિકેટક્ષેત્રે કામયાબી અને નામના મેળવે.

એમાં અમારો અશોક વષોર્ સુધી જીવંત રહે.’

જૉલી જિમખાનાના મેમ્બર અને ઘાટકોપરમાં ફર્નિચરના ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર મૂળ ભાવનગર પાસેના રોહિશાળા ગામના દશા શ્રીમાળી વૈષ્ણવ વાણિયા અશોક કોઠારીના ઘરમાં તેમના ૯૩ વર્ષના પિતા ચંપકભાઈ વર્ષોથી યોગ અને કસરત કરીને સાદગીભર્યું જીવન જીવે છે એટલું જ નહીં, જીવદયામાં અત્યાર સુધી તેઓ ૪૦૦ વખત મોટું દાન કરીને અનેક જીવોને છોડાવી ચૂક્યા છે. કસરત અને યોગની પ્રણાલિકા તેમના બે પુત્રો અને ચાર પુત્રીઓ સહિત પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓએ પણ અપનાવી છે. તેમનાં એક દીકરી ડૉક્ટર રંજન કોઠારીને તેમનાં સેવાકાયોર્ને બિરદાવીને અનેક સમાજોએ નારીરત્ન સહિત અનેક અવૉડ્ર્સ આપ્યા છે.

અશોકભાઈ નાનપણથી કસરત અને યોગ કરતા આવ્યા છે. સ્કૂલ અને કૉલેજની સાથે તેઓ જ્યાં રહે છે એ વિસ્તારમાં પણ તેમની ક્રિકેટ-ટીમ બનાવી હતી. આ ટીમ રવિવારે અને રજાના દિવસોએ અન્ય વિસ્તારની ક્રિકટ-ટીમો સાથે મૅચો પણ રમતી હતી. મૅરથૉનની શરૂઆત થઈ ત્યારથી તેઓ એમાં પણ રસ લેતા થયા હતા. મૅરથૉન-૨૦૧૦માં તેમણે ૨૧ કિલોમીટરનું અંતર ત્રણ કલાક અને પાંચ મિનિટમાં કાપ્યું હતું. મૅરથૉન ૨૦૧૧માં એટલું જ અંતર બે કલાક ૪૫ મિનિટમાં કાપ્યા બાદ તેમણે ગોવાની મૅરથૉનમાં ૨૧ કિલોમીટરનું અંતર બે કલાક ૩૪ મિનિટમાં કાપ્યું હતું. ત્યારથી તેમની મહેચ્છા હતી કે મુંબઈમાં યોજાનારી હવેની મૅરથૉનમાં તેઓ આ અંતર બે કલાક ૩૦ મિનિટમાં કાપશે. તેમની સાથે તેમનાં ભાઈ-ભાભી અને તેમનાં પત્ની પ્રીતિ પણ મૅરથૉનમાં ભાગ લેતાં હતાં.

અંતિમ ક્ષણોના સાક્ષી

અશોકભાઈ સાથે દોડવા જતા અને મૃત્યુના સમયે તેમની સાથે રહેલા કૅપ્ટન સ્વામીનાથને તેમની અંતિમ ક્ષણોની વાત કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એ દિવસે અમે ૧૮૦થી વધુ લોકો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલી તરફ મૅરથૉનની પ્રૅક્ટિસ કરવા દોડી રહ્યા હતા. અશોક વિક્રોલી તરફનું ત્રણ કિલોમીટરનું અંતર કાપીને ઘાટકોપર તરફ એક કિલોમીટર જેટલા અંતરે પાછો આવી રહ્યો હતો ત્યારે તે અચાનક રસ્તા પર જ પડી ગયો હતો. તેના શ્વાસોશ્વાસ ધીમા પડી ગયા હતા એટલે મેં તરત જ તેને પમ્પિંગ કરતાં-કરતાં કહ્યું હતું કે સ્માઇલ. તેણે કોઈ પણ જાતની શારીરિક ફરિયાદ કર્યા વગર જે રીતે તે હંમેશાં સ્માઇલ આપતો હતો એવું જ સ્માઇલ આપ્યું હતું એટલે તરત જ અમે મિત્રો એક પણ ક્ષણ બગાડ્યા વગર તેને નજીકની ગોદરેજ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હૉસ્પિટલમાં કોઈ સારવાર મેળવે એ પહેલાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.’