09 April, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશોક ખરાત
અશોક ખરાતે બૉલીવુડ સ્ટાઇલમાં શ્રીમંતોને લૂંટવાની ટેક્નિક બનાવી હતી. ‘સ્પેશ્યલ 26’ ફિલ્મ જેવી રણનીતિ અપનાવીને તે પોતાના જ શ્રીમંત ભક્તોને મળવા માટે નકલી ઇન્કમ ટૅક્સ ઑફિસર મોકલતો હતો અને તેમને લૂંટતો હતો. એટલું જ નહીં, ઇન્કમ ટૅક્સના સેટલમેન્ટ કરવાના બહાને તે આ ભક્તો પાસેથી મોટી રકમ પડાવતો હતો.
અશોક ખરાત કેસના ઉકેલ માટે બનાવેલી હેલ્પલાઇન પર મહિલાઓ અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકો તરફથી ફરિયાદોનો ધસારો સતત ચાલુ છે. જાતીય સતામણી અને સંપત્તિના દુરુપયોગ વિશે ફરિયાદો મળી રહી છે. મહિલાઓ સામેના અત્યાચાર વિશેની ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે, જેમાં વધુ ૧૧ મહિલાઓ ખરાત સામે જાતીય શોષણના આરોપો લગાડવા માટે આગળ આવી છે.
SITની તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે અશોક ખરાત દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલા જાતીય અત્યાચારના વાંધાજનક વિડિયો ટેલિગ્રામ જેવી મેસેજિંગ ઍપ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વીસથી ૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ કેસ સાથે સંબંધિત ૧૭ જેટલા અત્યંત વાંધાજનક વિડિયો શોધી કાઢ્યા છે. મહારાષ્ટ્ર સાઇબર પોલીસે આ મામલે ગંભીરતા દાખવી સુઓ મોટો કાર્યવાહી કરતાં અજાણ્યા શખ્સો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે.