અશોક ખરાતનો ભોગ બનેલી મહિલાઓ આગળ આવી રહી છે

08 April, 2026 10:59 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમનાં ચીફ તેજસ્વી સાતપુતેએ આ કેસની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી

તેજસ્વી સાતપુતે

અશોક ખરાત કેસમાં રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નાં વડાં તેજસ્વી સાતપુતેએ આ કેસ સંદર્ભે ગઈ કાલે વિગતો આપી હતી. કેસમાં શું તપાસ ચાલી રહી છે, અત્યાર સુધી શું સામે આવ્યું એ તેમણે જણાવ્યું હતું. એ ઉપરાંત આ કેસને લગતા વિડિયો વાઇરલ કરનારાઓ પર પણ કાર્યવાહી થઈ છે એમ તેમણે જણાવ્યું હતું. આ કેસમાં અશોક ખરાતના કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR) બાબતે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘CDR લીક પ્રકરણમાં પ્રશાસન દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસમાં જેકાંઈ મળશે એ સામે આવશે.’   

તેજસ્વી સાતપુતેએ અશોક ખરાત શું કરતો હતો, તે મહિલાઓને કઈ રીતે છેતરતો હતો, એની પાછળનો તેનો ઉદ્દેશ શું હતો, પીડિત મહિલાઓના વિડિયો કઈ રીતે વાઇરલ થયા, એના પર શું કાર્યવાહી કરવામાં આવી એની પૂરતી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘તપાસ માટે ૨૪ જણની ટીમ તૈયાર કરવામાં આવી છે. ૨૦ માર્ચ સુધી અશોક ખરાત સામે નોંધાયેલા ૧૨ કેસમાંથી ૧૧ કેસની તપાસ SIT કરી રહી છે જેમાં નાશિક અને અહિલ્યાનગરના ૯ કેસ છે. એમાંથી ૮ કેસ મહિલાઓ પર થયેલા અત્યાચારના છે અને અન્ય કેસ છેતરપિંડીના અને અંધશ્રદ્ધા ફેલાવવાના છે. આ કેસમાં અત્યાર સુધી ૩૦ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ નોંધાયાં છે.’ 

અશોક ખરાત મહિલાઓની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવતો હતો અને તેમને ડરાવી દેતો હતો એમ જણાવતાં તેજસ્વી સાતપુતેએ વધુમાં કહ્યું હતું કે ‘અશોક ખરાત નંગ, ચિચૂકા, રુદ્રાક્ષ, પૂજા વિધિ વગેરે આપીને મહિલાઓ પાસેથી પૈસા પડાવતો હતો. પીડિત મહિલાઓને તે પોતાની પાસે દૈવીશક્તિ હોવાનું જણાવીને તેમના કુટુંબીજનોને મારી નાખવાની ધમકી આપી તેમના પર જાતીય અત્યાચાર ગુજારતો હતો. તેમને બદનામ કરવાની ધમકી આપીને જાતીય અત્યાચાર કરતો હતો. શ્રી ઈશાન્યેશ્વર મંદિરમાં તે અંધારામાં હાથચાલાકી કરીને દૈવીશક્તિ હોવાનો ભ્રમ ઊભો કરતો હતો. આમ કરીને તે અંધશ્રદ્ધા ફેલાવતો હતો. તેની આ બધી કરામતનો મહિલાઓ વિશ્વાસ કરી લેતી હતી. હવે તેનો ભોગ બનેલી મહિલાઓ હિંમત કરીને આગળ આવી રહી છે એથી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદ મળશે. આ મહિલાઓએ લોકો શું કહેશે એવું વિચારીને અન્યાય સહન કર્યો હતો.’ 

આ કેસમાં મીડિયા-ટ્રાયલ ન થવી જોઈએ: તેજસ્વી સાતપુતે
 તેજસ્વી સાતપુતેએ કહ્યું હતું કે ‘પીડિતાઓ અને તેમના કુટુંબીજનોના ઇન્ટરવ્યુ લેવા પર બંધી છે. આ કેસમાં મીડિયા-ટ્રાયલ ન થવી જોઈએ. પીડિતાઓની ઓળખ થાય એવા વિડિયો વાઇરલ કરનારાઓ પર કડક કાર્યવાહી થઈ શકે છે. આ કેસ સંદર્ભે ૪૬૫૦ વિડિયો-લિન્ક્સ વાઇરલ થઈ હતી જે સાઇબર ટીમે ડિલીટ કરી છે. વળી સોશ્યલ મીડિયા પર પણ વાંધાજનક પોસ્ટ ફૉર્વર્ડ કરાતી હતી એવાં ૪૫૧ અકાઉન્ટ પણ કાયમ માટે ડિલીટ કરવામાં આવ્યાં છે. આ પ્રકરણ બહુ જ સેન્સિટિવ છે. એથી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી કેટલીક વિગતો ગુપ્ત રાખવી જરૂરી છે. આ પ્રકરણમાં સગીરનો સમાવેશ નથી.’       

ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ: અશોક ખરાત
કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વિસ્ટગેશન ટીમ (SIT)ની પૂછપરછ દરમ્યાન અશોક ખરાતે કબૂલાતનામામાં એવું વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું કે ‘હું કોઈ વશીકરણ નહોતો કરતો, ચમત્કાર નહોતો કરતો. હાથચાલાકી અને યુક્તિઓ વાપરીને મહિલાઓને જાળમાં ખેંચતો હતો. ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ.’

mumbai news mumbai ashok kharat case maharashtra news maharashtra sexual crime nashik