અશોક ચવાણ મહારાષ્ટ્ર પ્રદેશ અને સંજય નિરુપમ મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ નિયુક્ત

03 March, 2015 05:48 AM IST  | 

અશોક ચવાણ મહારાષ્ટ્ર પ્રદેશ અને સંજય નિરુપમ મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ નિયુક્ત



મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રેસિડન્ટપદે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નાંદેડના સંસદસભ્ય અશોક ચવાણની અને મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટપદે ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઉત્તર ભારતીય નેતા સંજય નિરુપમની નિમણૂક કરવામાં આવી છે. અજય માકેનને દિલ્હી રાજ્યની નેતાગીરી સોંપવામાં આવી છે, ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીર, ભરતસિંહ સોલંકીને ગુજરાત અને ઉત્તમ રેડ્ડીને તેલંગણ પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખપદે ૨૦૦૮થી માણિકરાવ ઠાકરે કાર્યરત હતા, જ્યારે છેલ્લાં બે વર્ષથી મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ તરીકે ઍડ્વોકેટ જનાર્દન ચાંદુરકરની નિમણૂક થઈ હતી. તેમના સ્થાને આ નવી નિયુક્તિ થઈ છે.

અશોક ચવાણ સામે આદર્શ કો-ઑપરેટિવ હાઉસિંગ કૌભાંડમાં આરોપો મૂકવામાં આવતાં તેમણે ચીફ મિનિસ્ટરપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આમ છતાં તેમને લોકસભાની ચૂંટણીમાં નાંદેડમાંથી ટિકિટ આપવામાં આવી હતી અને મહારાષ્ટ્રમાં લોકસભામાં જે બે સીટો પર કૉન્ગ્રેસને જીત મળી હતી એમાં તેમનો સમાવેશ છે.

મુરલી દેવરાના અવસાનથી ખાલી પડેલી રાજ્યસભાની સીટની ચૂંટણીની જાહેરાત

રાજ્યસભાના સભ્ય મુરલી દેવરાના અવસાનને લીધે ખાલી પડેલી સીટ માટે ૨૦ માર્ચે પેટાચૂંટણી યોજાશે. આ સીટ માટે ૧૦ માર્ચ ૨૦૧૫ સુધીમાં ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રોની ચકાસણી ૧૧ માર્ચે થશે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિધાનસભ્યો મતદાન કરશે. જો એક કરતાં વધુ ઉમેદવાર ફૉર્મ ભરશે તો જ ચૂંટણી થશે.