વિધાનસભાની પેટાચૂંટણીનાં ઉમેદવારી ફૉર્મ ભરવામાં ‍જોરદાર શક્તિપ્રદર્શન

15 October, 2022 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરીમાં બીજેપીના મુરજી પટેલ અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેનાં ઋતુજા લટકેના નામાંકન વખતે હજારો લોકોની સાથે મોટા નેતાઓ પણ હાજર રહ્યા

અંધેરી વિધાનસભાની પેટાચૂંટણી માટે બીજેપીના મુરજી પટેલે ગઈ કાલે ફૉર્મ ભર્યું ત્યારે ચંદ્રશેખર બાવનકુળે, આશિષ શેલાર, દીપક કેસરકર, પ્રવીણ દરેકર, નીતેશ રાણે વગેરે હાજર રહ્યા હતા (તસવીર : સૈયદ સમીર અબેદી)

અંધેરી વિધાનસભાની પેટાચૂંટણી માટે બીજેપી-એકનાથ શિંદે જૂથ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારોએ ગઈ કાલે ઉમેદવારી ફૉર્મ ભર્યાં ત્યારે બંને બાજુએ જોરદાર શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજારો સમર્થકો અને મોટા નેતાઓ સાથે બીજેપીના મુરજી પટેલ અને ઉદ્વવ બાળાસાહેબ ઠાકરેનાં ઋતુજા લટકે ચૂંટણીની ઑફિસે પહોંચ્યાં હતાં. હજારો લોકો આ સમયે હાજર રહ્યા હોવાથી કોઈ ગરબડ ન થાય એ માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ચૂંટણી ઑફિસના પરિસરમાં ૧૦૦ મીટર સુધી બૅરિકેડ્સ મૂકી દીધાં હતાં.

બીજેપીના મુરજી પટેલે ફૉર્મ ભર્યું ત્યારે પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર, શિંદે જૂથના પ્રધાન દીપક કેસરકર, પ્રવીણ દરેકર અને નીતેશ રાણે હાજર રહ્યા હતા. ઋતુજા લટકે સાથે આદિત્ય ઠાકરે, સાંસદ ગજાનન કીર્તિકર, વિધાનસભ્ય અનિલ પરબ, એનસીપીના દિલીપ વળસે પાટીલ, કૉન્ગ્રેસના મુંબઈ અધ્યક્ષ ભાઈ જગતાપ જેવા નેતાઓ જોવા મળ્યા હતા.

શિવસેનામાં બળવો થયા બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ પહેલી મોટી ચૂંટણી હોવાથી તેમના માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. ઉમેદવારી ફૉર્મમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને રદ થાય તો મુશ્કેલી ન થાય એ માટે ઉદ્ધવ ઠાકરે જૂથે ઋતુજા લટકેની સાથે સંદીપ નાઈક અને બીજેપીએ મુરજી પટેલનાં બે ફૉર્મ ભર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

ઋતુજા લટકે બીએમસીનાં કર્મચારી હોવાથી તેઓ રાજીનામું ન આપે ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી લડી ન શકે એવો નિયમ હોવાથી તેમણે ત્રીજી ઑક્ટોબરે રાજીનામું આપ્યું હતું. ૩૦ દિવસમાં તેમનું રાજીનામું સ્વીકારવાનું હોય છે. રાજીનામું આપ્યાને ૩૦ દિવસ થયા ન હોવાથી મુંબઈ બીએમસીના કમિશનરે એ મંજૂર કર્યું ન હોવાથી ઉદ્ધવ ઠાકરે જૂથે બૉમ્બે હાઈ કોર્ટમાંથી તાત્કાલિક ધોરણે રાજીનામું મંજૂર કરાવવાનો આદેશ મેળવ્યો હતો. આથી ગઈ કાલે સવારે મુંબઈ બીએમસીએ ઋતુજાનું રાજીનામું સ્વીકારી લીધું હતું. બાદમાં તેમણે ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું.
ઉમેદવારી નોંધાવ્યા બાદ બંને ઉમેદવારોએ આ ચૂંટણીમાં પોતાનો વિજય થવાનો દાવો કર્યો હતો. આ ચૂંટણી બીજેપી-એકનાથ શિંદે જૂથ અને આરપીઆઇની યુતિ વિરુદ્ધ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, એનસીપી અને કૉન્ગ્રેસની યુતિ બની ગઈ છે. 

શિવસેના બાદ હવે એનસીપી
શિવસેનામાં બળવો કરીને ૪૦ વિધાનસભ્યોની મદદથી બીજેપી સાથે સત્તા મેળવ્યા બાદ એકનાથ શિંદેએ હવે એનસીપીમાં ભંગાણ પાડવાની શરૂઆત કરી છે. થાણે ગ્રામીણના એનસીપીના જિલ્લાધ્યક્ષ સુરેશ મ્હાત્રેએ યુતિ સરકારને સમર્થન આપ્યું હોવાની એકનાથ શિંદેએ ટ્વીટ કરી હતી. સુરેશ મ્હાત્રેએ પોતાની મુલાકાત કરીને સરકારને સમર્થન આપ્યું હોવાથી તેમની ભીવંડ લોકસભા મતદારસંઘમાં સંપર્ક પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સુરેશ મ્હાત્રેએ બપોરના ઉદ્વવ ઠાકરેની મુલાકાત કરી હતી અને રાત્રે તેમણે શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો.

રમેશ લટકે જીવતા હોત તો શિંદે જૂથમાં હોત : નારાયણ રાણે
બીજેપીએ દક્ષિણ મુંબઈની જવાબદારી કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને આપી છે. તેમણે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આજે રમેશ લટકે જીવતા હોત તો તેઓ એકનાથ શિંદે જૂથમાં હોત. ઉદ્ધવ ઠાકરે પાસે હવે કંઈ રહ્યું નથી. રાજ્ય ગયું, મુંબઈ ગયું. દક્ષિણ મુંબઈમાં પણ હવે બીજેપીના સાંસદ આવશે. એટલું જ નહીં, મુંબઈમાં આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેનો એકેય સાંસદ ચૂંટાઈને નહીં આવે. બોગસ સોગંદનામાની તપાસ જલદી પૂરી થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હિંમત હોય તો સરકાર પાડીને બતાવો કહેતા હતા. અમે કરીને બતાવ્યું. ઉદ્ધવ ઠાકરેએ હવે બડબડ કરવાનું બંધ કરવું જોઈએ. આદિત્ય ઠાકરે બાબતનો મને સવાલ ન કરવો.’

બીજેપીમાં પક્ષપ્રવેશનો ડ્રામા
બે વર્ષ પહેલાં શિવસેનામાંથી બીજેપીમાં સામેલ થયેલા મીરા-ભાઈંદરના નગરસેવકોનો ગઈ કાલે બીજી વખત પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના હાથે પક્ષપ્રવેશ કરવાનો ડ્રામા થયો હતો. શિવસેનાની નગરસેવિકાઓ દીપ્તિ ભટ્ટ અને અનીતા પાટીલ તથા કૉન્ગ્રેસના નગરસેવક નરેશ પાટીલે બે વર્ષ પહેલા જ ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના હાથે બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. આમ છતાં નરેન્દ્ર મહેતાએ આ ત્રણ નગરસેવકોની સાથે શિવસેનાની નગરસેવિકા કુસુમ ગુપ્તાનો બીજેપીમાં પ્રવેશ કરાવવા સામે સવાલ કરવામાં આવી રહ્યો છે. આ સમયે બીજેપીના મીરા-ભાઈંદર જિલ્લાધ્યક્ષ ઍડ. રવિ વ્યાસ કે બીજા કોઈ પદાધિકારી હાજર નહોતા. નરેન્દ્ર મહેતા અત્યારે બીજેપીમાં કયા પદ પર છે એ કોઈ જાણતું નથી.

mumbai mumbai news shiv sena ashish shelar