Asha Bhosle Death: આશાતાઈના હસ્તાક્ષરમાં લખાયેલ આ પત્રમાં શું છે? થઈ રહ્યો છે વાઇરલ

13 April, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Asha Bhosle Death: આશાતાઇના હસ્તાક્ષરમાં લખેલી એક પોસ્ટ પણ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જે મૂળ મરાઠી ભાષામાં છે. તેનો શબ્દશ: ગુજરાતી અનુવાદ અહીં આપેલો છે.

આશાતાઈના હસ્તાક્ષરમાં લખાયેલ પત્ર જે થઈ રહ્યો છે વાઇરલ

સ્વરસામ્રાજ્ઞી આશા ભોસલે ગઇકાલે સૂરમાં (Asha Bhosle Death) ભળી ગયા. તેમણે આ દુનિયાને અલવિદા કર્યું છે ત્યારે આજે તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. આશાજીએ ૯૨ વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા છે ત્યારે તેમના ચાહકો તેમને ભારે હ્રદય સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં સૌ તેમના ચાહકો આશાજજી સાથેની તેમની તસવીરો અને સંસ્મરણો શેર કરી રહ્યા છે. એ વચ્ચે આશાતાઇના હસ્તાક્ષરમાં લખેલી એક પોસ્ટ પણ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જે મૂળ મરાઠી ભાષામાં છે.

તેનો શબ્દશ: ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે:

"મને ૯૦ વર્ષ સુધી જીવંત રાખનારાં મારા ચાહક ભાઈ-બહેનોને મારા સપ્રેમ નમસ્કાર. જો તમે સહુ ન હોત તો કોઈ કલાકાર પણ ન હોત. પણ તમે મને ૮૦ સુધી સતત પ્રેમ આપ્યો છે. મારા જીવનના કષ્ટો તરફ જોઈને તમે મને તમારા જ પરિવારનો એક હિસ્સો બનાવી છે. આભાર એ બહુ નાનો શબ્દ છે. મને આવો જ પ્રેમ આપતાં રહેજો. તમારી, આશા ભોસલે"

`સ્વરસ્વામિની` નામના પુસ્તકમાં આશા ભોસલેના હસ્તાક્ષરમાં લખાયેલો આ પત્ર  આપવામાં આવ્યો છે. જેમાં આશાતાઈ (Asha Bhosle Death)એ તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. આપણે જે પુસ્તકની વાત કરી રહ્યા છીએ તે પુસ્તકમાં આશા ભોસલેના જીવનની ઝરમર આલેખવામાં આવી છે. આ પુસ્તકનું વિમોચન આરએસએસના વડા મોહન ભાગવતે વિલે પાર્લેના દીનાનાથ મંગેશકર થિયેટરમાં કર્યું હતું. મંજિરી હેટેનું આ પુસ્તક આશાતાઈના જીવનના દરેક પાસાંને આવરી લે છે.

આશાતાઈની છેલ્લી પોસ્ટ પણ વાઇરલ

આશાતાઈ (Asha Bhosle Death)એ સોશિયલ મીડિયા પર શેર કરેલી તેમણિ છેલ્લી પોસ્ટ પણ ચર્ચાનો વિષય બની છે. ૧૮મી માર્ચે આશાતાઈએ શેર કરેલી આ પોસ્ટમાં તેમણે `ધ શેડો લાઇટ` સોન્ગ વિશે પોતાના ભાવનાત્મક વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, સોન્ગ ‘ધ શેડો લાઇટ’ એ  મારા માટે ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. વારાણસીની મુલાકાત લઈને, સૌથી પવિત્ર નદી ગંગાની યાત્રામાં ભાગ લઈને અને મારી આંખો સામેના દૃશ્યોને નજીકથી નિહાળીને મને જીવનનો ખરો અર્થ સમજાયો. હું કોણ છું અને આ પૃથ્વી પર મારે શું કરવાનું છે તે સમજાયું.

પીઢ ગાયિકા આશા ભોસલે (Asha Bhosle Death)એ છેલ્લા આઠ દાયકાથી ગીતોને સૂર આપ્યો. એક ઇંટરવ્યૂમાં તો તેઓએ એમ પણ કહ્યું હતું કે "હું ફક્ત ભગવાનને જ પ્રાર્થના કરું છું કે હું ગાતાં ગાતાં પ્રભુને પ્યારી થઈ જાઉં. બસ...  મારી એ જ અંતિમ ઈચ્છા છે. હવે મારેબીજું કંઇ જ શીખવું નથી. અને હવે શીખવા માટે બીજું બચ્યું પણ શું છે? ગાવું એ જ મારું જીવન છે."

mumbai news mumbai asha bhosle indian music bollywood buzz bollywood news bollywood entertainment news viral post social media