✕

PM મોદીને મળ્યાના ત્રણ મહિનામાં શાળાના મિત્રનો 19 વર્ષ જૂનો જમીન વિવાદ ઉકેલાયો

29 November, 2026 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્ષ 2014માં મર્વિન જોસેફ ફર્નાન્ડિસે વારસાઈ પ્રમાણપત્રના આધારે જમીનના 50 ટકા હિસ્સા પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. જ્યારે બાકીના 50 ટકા હિસ્સાની ખરીદી 2011માં સ્વયં બિલ્ડર્સ દ્વારા પાવર ઑફ એટર્નીના આધારે કરવામાં આવી હોવાનો દાવો થયો હતો.

સપ્ટેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસગર અલી વોરા મળ્યા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાળાના ભૂતપૂર્વ સહપાઠી અસગર અલી વોરાને 19 વર્ષના લાંબા સંઘર્ષ બાદ જમીન વિવાદમાં મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં આવેલી 2,810 ચોરસ મીટર જમીનના 7/12ના ઉતારામાં આખરે તેમનું નામ ફરી દાખલ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બરમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાતના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં આ કાર્યવાહી થઈ છે.

81 વર્ષીય અસગર અલી વોરા અને નરેન્દ્ર મોદી ગુજરાતના વડનગરની બી.એન. સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા

અસગર અલીએ વર્ષ 1989માં દાઉદ વોરા સાથે મળીને નોંધાયેલા કરાર દ્વારા આ જમીન ખરીદી હતી. વર્ષ 2007માં જમીનના રેકોર્ડમાં બન્નેનાં નામ દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે, મૂળ જમીનમાલિક પૉલ ઍન્થની ફર્નાન્ડિસના કાયદેસરના વારસદાર અંગે તપાસ થતાં મહેસૂલ વિભાગે પાછળથી વોરાનું નામ રદ કરી દીધું હતું.

જમીન પર અનેક લોકોએ કર્યો હતો દાવો

વર્ષ 2014માં મર્વિન જોસેફ ફર્નાન્ડિસે વારસાઈ પ્રમાણપત્રના આધારે જમીનના 50 ટકા હિસ્સા પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. જ્યારે બાકીના 50 ટકા હિસ્સાની ખરીદી 2011માં સ્વયં બિલ્ડર્સ દ્વારા પાવર ઑફ એટર્નીના આધારે કરવામાં આવી હોવાનો દાવો થયો હતો. અસગર અલીએ આ દસ્તાવેજોમાં છેડછાડ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે 2015માં ફોજદારી કેસ પણ નોંધાયો હતો. વર્ષ 2019માં ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સંકળાયેલી કંપની સેવન ઇલેવન કન્સ્ટ્રક્શન્સે વિવાદિત જમીનનો એક હિસ્સો ખરીદ્યો હતો. જોકે, અસગર અલીની ફરિયાદ બાદ મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ બાંધકામની પરવાનગીઓ રદ કરી હતી.

PM મોદી સાથે મુલાકાત બાદ કાર્યવાહી ઝડપી હતી

આ વર્ષે 8 સપ્ટેમ્બરે અસગર અલી વોરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાની સમસ્યા રજૂ કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મહેતાએ વિવાદિત પ્લોટનો કબજો છોડવાની અને અસગર અલી સામેની પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા બાદ મહેસૂલ વિભાગે જમીનના દસ્તાવેજોની તપાસ કરી હતી. અંતે 7/12ના ઉતારામાં અસગર અલી વોરાનું નામ ફરી દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. 19 વર્ષના લાંબા સંઘર્ષ બાદ મળેલી આ રાહત તેમના માટે મોટી જીત સમાન છે.

narendra modi real estate mumbai news mira road bhayander mumbai