મુંબઈ : અમને ન્યાય આપો, બેદરકાર અધિકારીઓને સજા આપો

08 October, 2020 10:02 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : અમને ન્યાય આપો, બેદરકાર અધિકારીઓને સજા આપો

મુંબઈના પોલીસ કમિશનરને શીતલના આકસ્મિક મૃત્યુની તપાસ કરવા માટે આવેદનપત્ર આપી રહેલા જિતેશ દામા, કમલેશ દામા અને કિરીટ સોમૈયા

અમને કોઈ વળતરની સરકાર પાસેથી અપેક્ષા નથી. અમારી તો ફક્ત અમારા પરિવારને ન્યાય મળે એ જ માગણી છે. મારી પત્ની મહાનગરપાલિકાની બેદરકારીને લીધે અસલ્ફાની એક ગટરમાં તણાઈ ગઈ એમાં કોઈ શંકા નથી. જે અધિકારીઓ આના માટે જવાબદાર હોય તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી માગણી શીતલના પતિએ ગઈ કાલે મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહને મળીને કરી હતી.

મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહને મળીને આવેલા શીતલના પતિ જિતેશ દામા (ભાનુશાલી)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આજે ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા, ભાનુશાલી સમાજના કાર્યકર કમલેશ દામાની સાથે પોલીસ કમિશનરને મળીને શીતલના આકસ્મિક મૃત્યુની તપાસ કરવામાં આવે એવું આવેદનપત્ર આપ્યું હતું. જેમાં અમે મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓ અને અન્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી.’

ઘટનાના પહેલા દિવસથી દામા પરિવાર સાથે ખડેપગે ઊભેલા કમલેશ દામાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શીતલ અમારા વિસ્તારની એક ગટરમાં તણાઈ ગયા પછી તેમની ડેડ-બૉડી હાજીઅલીથી મળી ત્યારથી એ બૉડી ૩૦ કિલોમીટર દૂર કેવી રીતે પહોંચી એના પર મહાનગરપાલિકા તપાસ કરી રહી છે. આડકતરી રીતે મહાનગરપાલિકા તેમના અધિકારીઓની બેદરકારી સામે ઢાંકપીંછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ કમિશનરે આ બાબતમાં પૂરતો સાથ આપવાનું આશ્વાસન આપ્યું છે.’

શીતલ દામાના પરિવારને ચીફ મિનિસ્ટર રાહત ફંડમાંથી મદદ મળે એવી માગણી સ્થાનિક શિવસેનાના નગરસેવક કિરણ લાંડગેએ કરી છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે ગટર પરના ફાઇબરના કવર હટી જવાથી આ દુર્ઘટના બની છે. ફાઈબર કવર વરસાદના સમયમાં લીટરલી હવામાં ઉલળતાં હોય છે જે ખૂબ જ જોખમી છે. અમે નાયર હૉસ્પિટલના પોર્સ્ટમૉર્ટમ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને આખી તપાસનો રિપોર્ટ આવ્યા પછી જ શીતલની ડેડ-બૉડી કેવી રીતે હાજીઅલી પહોંચી એનો જવાબ મળશે. આ દરમ્યાન મેં ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી શીતલ દામાના પરિવારને મદદ મળે એવી વિનંતી કરી છે. આવી જ વિનંતી મહાનગરપાલિકા પાસે પણ કરવાનો છું.’

કિરીટ સોમૈયાએ પોલીસ કમિશનર સાથેની મુલાકાતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ કમિશનરે શીતલના નાળાંમાં ડૂબી જવાથી થયેલાં મૃત્યુની તપાસ આઇપીએસ અધિકારી કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે.’‍

mumbai mumbai news ghatkopar brihanmumbai municipal corporation