ડ્રાઇવર ન હોવાથી પત્રકાર ઍમ્બ્યુલન્સમાં ઘાયલ મહિલાઓને હૉસ્પિટલમાં લઈ ગયો

28 January, 2022 09:13 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

બાઇકને ટક્કર ન લાગે એ માટે કારના ડ્રાઇવરે બ્રેકને બદલે ઍક્સેલરેટર દબાવી દેતાં કાર ફૂડ સ્ટૉલમાં ઘૂસી ગઈ : દહાણુ બીચ પર ઑટોમેટિક કાર ચલાવી રહેલી વ્યક્તિએ ભેળપૂરી અને અન્ય નાસ્તો કરી રહેલા લોકો પર એને ઘુસાડી દેતાં એક મહિલાનું મૃત્યુ અને ૧૧ લોકો ઘાયલ

કાર બીચ પર ઘૂસી જતાં થયેલા ઍક્સિડન્ટ પછી એને ઘેરી વળેલી પબ્લિક.

બુધવારે સાંજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ચિંચણી બીચ પર ફૂડ-સ્ટૉલ પરથી ભેળપૂરી અને અન્ય નાસ્તો કરી રહેલા ૧૧ લોકો સાથે કથિત રીતે અથડામણ કરવા બદલ વાણગાંવ પોલીસે બુધવારે રાતે બોઇસરના ૫૪ વર્ષના સંજય ઝોપની ધરપકડ કરી હતી. આ બનાવમાં ૬૮ વર્ષની એક મહિલાનું હૉસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૧૧ લોકો ઘાયલ થયા હતા. તેમને બોઇસરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સંજય ઝોપે બાઇકને ટક્કર ન લાગે એ માટે બ્રેક દબાવવાને બદલે ઍક્સેલરેટર દબાવ્યું હતું. એના પરિણામે તાતા ટિયાગો (MH48 CC 2780) કાર નિયંત્રણની બહાર ગઈ હતી અને દરિયાકિનારે ઊભેલા લોકોના ટોળા સાથે અથડાઈ હતી. વાણગાંવ પોલીસ સ્ટેશનના એપીઆઇ શ્રીકાંત કોળીએ જણાવ્યું હતું કે ‘કાર ખાદ્ય પદાર્થોની કેટલીક લારીઓ સાથે ટકરાઈ હતી. એમાં ખુરશીઓ અને અન્ય ફર્નિચર તૂટતાં એને નુકસાન થયું હતું તથા ખુરશીઓ પર બેઠેલા લોકો પર કાર ઘૂસી ગઈ હતી.’
રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ધમાલ મચાવી હતી અને કારને નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે ડ્રાઇવર અને એમાં બેસેલા માણસને કારની બહાર કાઢ્યા હતા અને તેમને મેથીપાક આપ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
ચિંચણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૮ વર્ષનાં ખાતૂન  મન્સૂરી અને તેમની ૪૫ વર્ષની દીકરી નસીમાની હાલત ગંભીર હતી એટલે તેમને ૧૫ કિલોમીટર દૂર બોઇસર ખસેડવા પડ્યાં હતાં. જાહેર રજાને કારણે સરકારી ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર નહોતો એટલે ત્યાં સમાચાર કવર કરવા આવેલો પ્રવીણ બાબરે નામનો સ્થાનિક પત્રકાર ડૉક્ટરની પરવાનગી લીધા પછી ઍમ્બ્યુલન્સમાં બન્ને મહિલાઓને બોઇસરની હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે હૉસ્પિટલમાં ડૉક્ટરોએ દાખલ કરતાં પહેલાં જ ખાતૂન મન્સૂરીને મૃત જાહેર કર્યાં હતાં, જ્યારે નસીમાને ઍડ્મિટ કરી હતી. પ્રવીણ બાબરે ઍમ્બ્યુલન્સમાં ખાતૂન મન્સૂરીનો મૃતદેહ લઈને તારાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાછો આવ્યો હતો, જ્યાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું અને પછી મૃતદેહ તેમના દીકરાને સોંપવામાં આવ્યો હતો.
  ખાતૂન મન્સૂરીના પુત્ર મોહમ્મદ ઇમરાન મન્સૂરીની ફરિયાદના આધારે એપીઆઇ કોલીએ જણાવ્યું હતું કે ‘અમે સંજય ઝોપની ધરપકડ કરી હતી. ગઈ કાલે દહાણુ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. અમે લીલાધર પાટીલની કાર કબજે કરી છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ. આ બનાવમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને ૧૧ લોકો ઘાયલ થયા હતા.’

mumbai news preeti khuman-thakur