આર્યન ખાનની વધી શકે છે મુશ્કેલી, જામીનને લઈ NCB ભરી શકે છે આવું પગલુ

22 November, 2021 05:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ મામલે આર્યન ખાનની વધી શકે છે મુશ્કેલી

આર્યન ખાન

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drugs case) મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan khan)ની મુશ્કેલી વધી શકે છે. મળતી માહિતી અનુસાર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)આર્યન ખાનના જામીનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવા માટે વિચારી રહ્યું છે. નોંધનીય છે કે 28 ઓક્ટોબરે આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યાં હતાં.  23 વર્ષીય આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

હવે આ મામલે ફરી એક વાર આર્યન ખાનની મુશ્કેલીમાં વધારો થાય તેવું બની શકે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર NCBના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ પર કાનૂની અભિપ્રાય લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. 

હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતો અનુસાર આર્યને એનડીપીએસ કોર્ટમાં પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવ્યો હતો. સાથે જ તેમને વિશેષ અદાલતની પરવાનગી લીધા વિના ભારત છોડવાની મંજૂરી નથી.

19 નવેમ્બરે આર્યન ખાન NCB સમક્ષ હાજર થયો હતો. આ મામલે આર્યન ખાનની આ ત્રીજી સાપ્તાહિક હાજરી હતી. NCB કાર્યાલયમાં હાજર થયા બાદ આર્યન દિલ્હીથી આવેલી સ્પેશિયલ ટીમ સામે પણ હાજર થયો હતો, જે આ મામલે હવે તપાસ કરી રહી છે. એનસીબીની વિશેષ ટીમે આ મામલે અત્યાર સુધીમાં 12 કરતાં પણ વધારો લોકોના નિવેદન નોંધ્યા છે. આ તપાસ જ્ઞાનેશ્વર સિંહના નેતૃત્વમાં થઈ રહી છે. 
 
નોંધનીય છે કે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક એનસીબી ઓફિસલ સમીર વાનખેડે પર સતત પ્રહાર કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે NCBના મુંબઈ ઝોન ડાયરેક્ટર સમીર વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ખંડણી માટે અપહરણ કરવાના કાવતરામાં સામેલ હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા મલિકે દાવો કર્યો હતો કે ભાજપની યુવા શાખાના ભૂતપૂર્વ મુંબઈ અધ્યક્ષ મોહિત ભારતીય કાવતરાના માસ્ટર માઈન્ડ હતા.

mumbai news aryan khan mumbai NCB Narcotics Control Bureau