આર્યન ખાન કેસની તપાસમાં ઘણી ખામીઓ હતી: NCB રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

18 October, 2022 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કેસની તપાસ દરમિયાન ટીમ સમક્ષ કેટલીક એવી બાબતો સામે આવી છે, જેમાં અન્ય કેસની તપાસમાં પણ ખામીઓ હોવાનું બહાર આવ્યું છે

ફાઇલ તસવીર

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે સંબંધિત ડ્રગ કેસ અંગે NCBની વિજિલન્સની વિશેષ તપાસ ટીમે NCBના દિલ્હી મુખ્યાલયને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે. એક મીડિયા હાઉસે NCB સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ મામલાની તપાસ યોગ્ય રીતે થઈ નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ તે સમયે કામ કરી રહ્યા હતા તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે, તેમના કામમાં ઘણી ખામીઓ હતી જે આ તપાસ દરમિયાન સામે આવી છે.

એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે “આ કેસમાં પુરાવાનો અભાવ હોવા છતાં તપાસ કરવામાં આવી રહી છે અને મામલાને આગળ વધારવામાં આવી રહ્યો છે. આ કેસમાં 4 વખત 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે આ લોકો વારંવાર તેમના નિવેદન બદલતા હતા. આ કારણે ઘણા લોકોના નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.

આ કેસની તપાસ દરમિયાન ટીમ સમક્ષ કેટલીક એવી બાબતો સામે આવી છે, જેમાં અન્ય કેસની તપાસમાં પણ ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ એંગલમાં તપાસ હજુ પૂર્ણ થવાની બાકી છે કારણ કે ફરિયાદીએ પોતાનો જવાબ બદલી નાખ્યો છે.

NCB અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ

આ કેસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આર્યન ખાનને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આવું કેમ કરવામાં આવ્યું તે હજુ એક કોયડો છે. NCBની તપાસ ટીમને આ કેસમાં 7 થી 8 NCB અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાવી છે, જેના માટે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ બે કેસમાં આ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.

આર્યન ખાનને ક્લીનચીટ

અગાઉ NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી અને કહ્યું હતું કે આર્યન અને અન્ય પાંચ લોકો સામે પૂરતા પુરાવા મળ્યા નથી. આર્યન ખાનએ 20 લોકોમાં સામેલ હતો જેમની ગયા વર્ષે ઑક્ટોબરમાં મુંબઈમાં ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા કેટલાક લોકો પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. નવેમ્બર 2021માં, NCB હેડક્વાર્ટરએ સમીર વાનખેડેને તપાસમાંથી હટાવ્યા હતા. વાનખેડે અને તેની ટીમ પર ગંભીર ક્ષતિઓનો આરોપ હતો.

mumbai mumbai news aryan khan Shah Rukh Khan NCB