વડોદરાના ૭૯ વર્ષના ગુજરાતી વડીલને મળ્યું થાણેની હાફ મૅરથૉનમાં થર્ડ પ્રાઇઝ

26 November, 2012 05:53 AM IST  | 

વડોદરાના ૭૯ વર્ષના ગુજરાતી વડીલને મળ્યું થાણેની હાફ મૅરથૉનમાં થર્ડ પ્રાઇઝ




થાણેના ઉપવન પરિસરમાં ગઈ કાલે યોજવામાં આવેલી હાફ મૅરથૉન સવારે સાતથી સાડાનવ વાગ્યા સુધી રાખવામાં આવી હતી અને એમાં લગભગ ૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ૨૧ કિલોમીટર દોડની આ સ્પર્ધા વય પ્રમાણે આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં પુરુષો કરતાં મહિલાઓ અને સિનિયર સિટિઝનોએ ભાગ લીધો હતો.

હાફ મૅરથૉનમાં ત્રીજું ઇનામ મેળવનારા વડોદરાના અરવિંદ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની શારીરિક રીતે અક્ષમ છે. તેને ખુશ જોવા માટે હું આ સ્પર્ધામાં દર વર્ષે જોડાઉં છું. આ વર્ષે હું ત્રણ મહિલાઓ સહિતની ૧૧ જણની ટીમ સાથે આ સ્પર્ધામાં જોડાયો હતો. સ્પર્ધામાં ભાગ લેવા ત્રણ દિવસ સુધી સતત અમે અમારી ફિટનેસ ચેક કરાવી હતી. ૨.૬ કિલોમીટરની આ દોડમાં હું ત્રીજો આવતાં મેં પત્નીને ફોન કરીને એની જાણ કરી હતી. તે સાંભળીને ઘણી ખુશ થઈ ગઈ હતી. ૨૦૦૮થી હું ઍથ્લેટિક ખેલાડી છું. અગાઉ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં પણ હું ઘણા મેડલ જીત્યો છું. જૂનમાં બૅન્ગલોરમાં યોજવામાં આવેલી પાંચ કિલોમીટર વૉકની સ્પર્ધામાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.’