સુધરાઈના ઇલેક્શન પર હવે આપની નજર

11 March, 2022 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરી વિસ્તારોના મતદાતાઓનો સારો રિસ્પૉન્સ મળતો હોવાથી અરવિંદ કેજરીવાલની પાર્ટી જોરશોરમાં બીએમસીની ચૂંટણીમાં ઝુકાવે એવું લાગી રહ્યું છે

ગઈ કાલે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા જ્વલંત વિજયની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર આવેલા મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં ઉજવણી કરી રહેલા આમ આદમી પાર્ટીના મુંબઈના કાર્યકરો. (તસવીર : સુરેશ કરકેરા)

દિલ્હીમાં સત્તા મેળવ્યા બાદ પંજાબ ગઈ કાલે અંકે કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે બીએમસીની ચૂંટણી પર છે. એક રાજ્ય જેટલું બજેટ ધરાવતી અને દેશની આર્થિક રાજધાની ગણાતી બીએમસી પર છેલ્લાં ૨૫ વર્ષથી શિવસેનાનું વર્ચસ્વ છે, પણ ટૂંક સમયમાં જ એની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપ એમાં ઝુકાવે એવી શક્યતા છે.

હવે પછી ભાજપનો ગઢ ગણાતા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણીઓની રણનીતિ ઘડવાની એણે તૈયારી શરૂ કરી દીધી છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આપ ઝુકાવે એવી પૂરી શક્યતા છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશનનો કાયદો બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અણ્ણા હઝારેએ મુંબઈના આઝાદ મેદાનમાં ભ્રષ્ટાચાર સામે ચલાવેલા અભિયાન ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન વખતે તેમની સાથે ખભેખભા મિલાવીને દેશભરમાં રાતોરાત જાણીતા થઈ ગયેલા અરવિંદ કેજરીવાલે તેમનાથી છૂટા પડીનો રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી (આપ) શરૂ કરી હતી. એ વખતે અનેક યુવાનો તેમના કહેવાથી આપમાં જોડાયા હતા. એમાં મુંબઈના અનેક શિક્ષિત યુવાનો પણ જોડાયા છે. એથી મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં જો આપ ઝુકાવે તો અનેક નવાં સમીકરણો માટેના દરવાજા ખૂલી જાય એમ છે. ગઈ કાલની જીત બાદ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને એનું માનવું છે કે અર્બન વિસ્તારોમાં મતદારોનો એને સારો સાથ આપી શકે છે. આ જ કારણ સર અરવિંદ કેજરીવાલની પાર્ટી સુધરાઈની ચૂંટણીમાં એગ્રેસિવલી ઉતરે એવું અત્યારે તો લાગી રહ્યું છે.

mumbai mumbai news aam aadmi party