મોટાં માથાંઓને ખુલ્લાં પાડવાનું કામ એક અરવિંદ કેજરીવાલથી પણ થઈ જ શકે છે

02 November, 2012 05:07 AM IST  | 

મોટાં માથાંઓને ખુલ્લાં પાડવાનું કામ એક અરવિંદ કેજરીવાલથી પણ થઈ જ શકે છે



અરિંદમ ચૌધરી


અરવિંદ કેજરીવાલના શ્રેણીબદ્ધ હુમલા મને એક વાર્તા યાદ કરાવે છે. બે વણકરોએ સમ્રાટ માટે નવો પોશાક તૈયાર કર્યો અને તેમને કહ્યું કે આ પોશાકમાં તેઓ એવા લોકોને જ નજરે પડશે જેઓ પ્રામાણિક અને વફાદાર હોય. સમ્રાટે પોતાના નજીકના માણસોની વફાદારી ચકાસવા તરત જ એ નવો ‘પોશાક’ પહેરી લીધો, પરંતુ તેના નાગરિકોને તો મનોરંજનનું બહાનું મળી ગયું. અરવિંદ કેજરીવાલ એ બાળક જેવા છે જે સમ્રાટની સામે જોઈને હસ્યો અને હિંમત બતાવીને બોલ્યો કે સમ્રાટ ખરેખર તો નગ્ન અવસ્થામાં ફરી રહ્યો છે. કેજરીવાલ પણ જાતે બની બેઠેલા અનેક રાજકીય અને કૉર્પોરેટ સમ્રાટોના ચહેરા પરથી બનાવટી માસ્ક હટાવી રહ્યા છે.

કથિત ભ્રષ્ટ રાજકીય પક્ષો એવા કૉન્ગ્રેસ અને બીજેપી સામે અરવિંદ કેજરીવાલના ઘાતક આક્ષેપોના વાવાઝોડાએ સરકાર અને ઉદ્યોગજગત વચ્ચેનાં વિસ્મયકારક સમીકરણોને હચમચાવી દીધાં છે. શરૂઆત થઈ સૌથી વધુ લાભ મેળવનારા રૉબર્ટ વાડ્રાથી, જેમના સોદા વિશે વર્ષોથી અંદરખાને સવાલો થતા રહ્યા છે. અરવિંદે આરોપ મૂક્યો હતો કે ડીએલએફે રૉબર્ટ વાડ્રાને લાભ આપ્યો, જેમાં વાડ્રાએ ૫૦૦ કરોડ રૂપિયાનાં કાળાં નાણાંની મદદથી પ્રૉપર્ટીઓ ખરીદી હતી અને એની સામે તેમને ૬૫ કરોડ રૂપિયાની વ્યાજ વગરની લોન તથા ભારે ડિસ્કાઉન્ટવાળા રેસિડેન્શિલ ફ્લૅટ્સ તથા બીજા લાભો મળ્યાં હતા. વાડ્રા કૉન્ગ્રેસ સાથે નાતો ધરાવતા હોવાના લીધે હરિયાણામાં સત્તામાં રહેલી કૉન્ગ્રેસી સરકારે જાહેર ઉપયોગ માટેની (અને ગ્રીન બેલ્ટ)ની જમીન ડીએલએફને એક્સપ્રેસ લેન માટે ઝડપથી ક્લિયરન્સ સાથે આપી દીધી હતી.

રૉબર્ટ વાડ્રા પછી અરવિંદે સલમાન ખુરશીદ અને નીતિન ગડકરીને નિશાન બનાવીને પ્રમાણમાં ઓછા મહત્વના ધડાકા કર્યા હતા! અને ૩૧ ઑક્ટોબર ૨૦૧૨ના રોજ કેજરીવાલે આકરા મૂડીવાદ તરીકે રિલાયન્સ તથા રાજકારણીઓની સાઠગાંઠને નિશાન બનાવી હતી અને મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે કેવી રીતે કૉન્ગ્રેસ જ નહીં બલ્કે બધા જ રાજકીય પક્ષોએ રિલાયન્સને વણજોઈતા લાભો આપ્યા હતા. કેજરીવાલની પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૮૦ ટકાથી વધુ નફો લઈ જાય છે અને સરકારને ભાગે ૨૦ ટકાથી પણ ઓછો હિસ્સો આવે છે.’ કેજરીવાલે એમ પણ ઉમેર્યું હતું કે રિલાયન્સે દેશનાં સંસાધનો લૂંટીને એક લાખ રૂપિયા કરોડનો ફાયદો મેળવ્યો છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે રિલાયન્સ પોતાની મરજી મુજબના પેટ્રોલિયમપ્રધાન પસંદ કરાવે છે.

અરવિંદના ભ્રષ્ટાચાર વિશેના મુશ્કેલ સવાલો એવાં નામો બહાર લાવી રહ્યા છે જે એક સમયે પવિત્ર ગણાતાં હતાં. કેજરીવાલે એવો આરોપ મૂક્યો છે કે વડા પ્રધાન મનમોહન સિંહે અકાઉન્ટન્ટ જનરલના કૉન્ટ્રૅક્ટની મધ્યે જ ગૅસની કિંમતો વધારવાની રિલાયન્સની માગણીને માન્ય રાખી હતી, જ્યારે આવા લાભો તો એનટીપીસીને આપવાનું પણ વિચારાયું નહોતું! કૃષ્ણા-ગોદાવરી બેસિન કૉન્ટ્રૅક્ટ સંબંધે ગૅસના ભાવો ૧૭ વર્ષ માટે યુનિટ દીઠ ૨.૫ ડૉલર નક્કી થયા હોવા છતાં રિલાયન્સે વડા પ્રધાનના આશીવાર્દથી ભાવોમાં વધારો કર્યો હતો. પહેલાં ૨૦૦૭માં યુનિટદીઠ ભાવ ૪.૨૫ ડૉલર કરવામાં આવ્યો અને પછી યુનિટદીઠ ૧૪.૨૪ ડૉલર કરવાનો ઇરાદો બતાવ્યો હતો. રિલાયન્સે કૉન્ટ્રૅક્ટનો સોદો તોડી નાખ્યો અને જરૂરી એવો ૮૦ એમએમએસસીએમડી ગૅસ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું ત્યારે પણ વડા પ્રધાને કોઈ ચિંતા દર્શાવી નહોતી. મંત્રાલયમાં આ વિશે વાંધો ઉઠાવનાર અને રિલાયન્સને ૭૦૦૦ કરોડના દંડની નોટિસ ફટકારનાર એકમાત્ર વ્યક્તિ હતા જયપાલ રેડ્ડી, જેમને તેમના પદેથી તગેડી મુકાયા. કેજરીવાલના આક્ષેપોમાં વધુમાં એમ જણાવવામાં આવ્યું હતું કે આ જ પ્રકારે ૨૦૦૬માં મણિશંકર અય્યરને પણ હડસેલીને તેમના સ્થાને મુરલી દેવરાને લાવવામાં આવ્યા હતા, કારણ કે અય્યરે મુકેશ અંબાણી સામે અવાજ ઉઠાવ્યો હતો અને ગૅસની કિંમત એમએમબીટીયુદીઠ ૨.૩૪ ડૉલરથી વધારીને ૪.૨ ડૉલર કરવા દેવાનો ઇનકાર કર્યો હતો.

આનાથી મોટો મુદ્દો જે છે એ ખરેખર મુકેશ અને રૉબર્ટ વાડ્રા કરતાં અલગ છે. મૂળ આ દેશને લૂંટવાનો ખેલ છે, જેને ‘ધ સન્ડે ઇન્ડિયન’ શરૂઆતથી જ નિરંતરપણે ઉઘાડો પાડતું આવ્યું છે. આ ખેલ છે જમીન હસ્તાંતરણો અને સેઝનો, આયર્ન ઑર અને કોલસાની ખાણનો, મોબાઇલ ફોન સ્પેક્ટ્રમ, વીજવિતરણ અને ભાવોનો, પરમાણુમથકોનો... કુદરતી સ્રોતો અને રાષ્ટ્રીય હિતો સાથે કોઈ પણ પ્રકારની રમત રમવાનો આ ખેલ છે. આવા દરેક કિસ્સામાં સરકાર શરમજનક રીતે આમઆદમીની વિરુદ્ધમાં અને કૉર્પોરેટ લૉબીની તરફેણમાં કામ કરે છે અને ક્રૂર મૂડીવાદને પ્રોત્સાહન આપે છે. દુખદ રીતે મિડિયા પોતે આવી બાબતો વિશે કેજરીવાલ જેવા કાર્યકરો અને બહાદુરો જ્યાં સુધી જાહેરમાં આવીને અવાજ ન ઉઠાવે ત્યાં સુધી મોટા ભાગે અંદરખાને ગુસપુસ જ કરે છે.

કેજરીવાલનો તેમની સંસ્થા ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ની સાથે થયેલો ઉદય ખરા અર્થમાં બળવો અને ક્રાંતિના જુવાળ જેવો છે. જો અરવિંદ આ જ ગતિ જાળવી રાખે તો આ ઉદય ભારતનું પુન: નિર્માણની સંભાવના ધરાવે છે. કેજરીવાલ સ્પષ્ટ લક્ષ્યાંક અને ઠંડા કલેજે હિંમત બતાવનારી વ્યક્તિનું પ્રતીક બની ગયા છે, જેઓ દરેક વખતે પૂરેપૂરા તર્ક તથા સંબંધિત પુરાવા સાથે બોલે છે અને આ જ બાબત તેમને સાર્થક ઠેરવે છે અને તેઓ મિડિયાનો પણ ખૂબ બુદ્ધિપૂર્વક રીતે ઉપયોગ કરે છે! ભારતમાં તહરીર સ્ક્વેર ઊભું કરવાનું કેજરીવાલનું સ્વપ્ન કદાચ હકીકત બની શકે છે. કેજરીવાલ એવી વ્યક્તિ તો નથી જ જેના માટે લોકો લડાઈ આપશે. કૉન્ગ્રેસ અને બીજેપીની વિરુદ્ધ ભારતીય રાજકારણમાં પગદંડો જમાવવા માટેની પોતાની લડાઈમાં અરવિંદ પાસે ભારતભરમાં પહોંચી વળવા કાર્યકરોની મોટી ફોજ કે તાકાત નથી. એટલે જ તેમણે ટીવી અને પ્રિન્ટ માધ્યમોના પ્રસાર પર મદાર રાખવો પડે છે અને આના લીધે જ દેશમાં તેમની અસર મર્યાદિત થઈ જાય છે. જોકે ભારતના ભ્રષ્ટાચારના ભયાનક નેટવર્કની ફરતે રહેલાં નગ્ન સત્યો તથા ખુલ્લાં રહસ્યોને ઉજાગર કરવાની તેમની વૃત્તિના ભારતમાં તથા આખા પ્રદેશમાં બહોળા પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતમાં સાફસૂફી કરવાની લાંબા ગાળાની લડતની સ્પષ્ટપણે શરૂઆત થઈ ગઈ છે. ભ્રષ્ટ લોકો સામે આટલી હિંમતપૂર્વક સામે પડીને કેજરીવાલે બતાવી દીધું છે કે યથાવત્ પરિસ્થિતિને બદલવા માટે એક જ કેજરીવાલ જોઈએ છે. દુખદપણે અત્યારના તબક્કે તો એમ જ લાગે છે કે તેઓ એક જ છે.