ઢોબળે માફક કાર્યવાહી કરવાનો તમામ પોલીસ-સ્ટેશનોને કમિશનરનો આદેશ

31 July, 2012 02:46 AM IST  | 

ઢોબળે માફક કાર્યવાહી કરવાનો તમામ પોલીસ-સ્ટેશનોને કમિશનરનો આદેશ

મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકે તમામ ડિસ્કો-પબ, ઑર્કેસ્ટ્રા-બાર, પબ, ડાન્સ-બાર તથા હુક્કા-પાર્લર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો તમામ પોલીસ-સ્ટેશનોને આદેશ આપ્યો છે. પોલીસ-સ્ટેશનોએ શું કાર્યવાહી કરી એનો રિપોર્ટ દર અઠવાડિયે એન્ર્ફોસમેન્ટ ડિપાર્ટમેન્ટને આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલો બાર નિયમોનું ઉલ્લંઘન કરતો જાણવા મળશે તો એ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર, અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ તથા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ એ માટે જવાબદાર હશે.

અગાઉ બારમાલિકો પોલીસોને લાંચ આપતા હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નહોતી, પરંતુ હવે પોલીસ-કમિશનરે રિપોર્ટ સબમિટ કરવા જણાવતાં પરિસ્થિતિમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે. મુંબઈપોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સમયસર બાર તથા પબમાલિકો મનોરંજન-કર ભરતા નથી, ફૂડ તથા ડ્રિન્કિંગની જગ્યા વચ્ચે કોઈ પાર્ટિશન હોતું નથી, બહુ ભીડ હોય છે અને ચાર કરતાં વધુ ગાયકો બારમાં હોય છે. એમ કરવા માટે જરૂરી પરવાનગી પણ તેમની પાસે નથી હોતી. કેટલાક બાર પાસે માત્ર ઑર્કેસ્ટ્રા-બારની જ પરવાનગી હોવા છતાં ત્યાં ડાન્સ-બાર ચાલતા હોય છે.’

પોલીસ-સ્ટેશન દ્વારા આવા બાર સામે કાર્યવાહી ન થતાં સોશ્યલ સર્વિસ બ્રાન્ચે કાર્યવાહી કરવી પડતી હતી. વળી વસંત ઢોબળે તથા તેમના કર્મચારીઓને બારમાલિકોની નારાજગી વહોરવી પડતી હતી તેમ જ ગેરકાયદે પ્રવૃત્તિ પણ ચાલુ રહેતી હતી. પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે હવે જો સોશ્યલ સર્વિસ બ્રાન્ચ કોઈ બારમાં રેઇડ પાડશે તો એ વિસ્તારના જવાબદાર પોલીસ-અધિકારી વિરુદ્ધ પણ તરત કાર્યવાહી કરવામાં આવશે. વસંત ઢોબળેને પોલીસ-કમિશનરના આદેશ બાદ થોડીક રાહત થશે, કારણ કે હવે લોકલ પોલીસ-સ્ટેશને કાર્યવાહી કરીને એનો રિપોર્ટ દર અઠવાડિયે રજૂ કરવાનો રહેશે.