નવા ઘરની પાર્ટી લેવા માટે ફ્રેન્ડના ઘરે આવેલા દોસ્તોને મળી તેની ડેડ-બૉડી

23 December, 2014 05:43 AM IST  | 

નવા ઘરની પાર્ટી લેવા માટે ફ્રેન્ડના ઘરે આવેલા દોસ્તોને મળી તેની ડેડ-બૉડી




થોડા સમય પહેલાં જ નાયગાંવમાં પોતાના નવા ઘરે શિફ્ટ થયેલી અરુણા મહેતા નામની ૨૭ વર્ષની યુવતીની ડેડ-બૉડી શનિવારે તેના ઘરે પંખે લટકેલી હાલતમાં મળી આવી હતી. વસઈની માણિકપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ગુજરાતી યુવકને પરણેલી મહારાãષ્ટ્રયન અરુણાએ આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી હતી એ બાબતે પોલીસ હજી સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. જોકે થોડા સમયથી તે ટેન્શનમાં રહેતી હોવાનું કહેવાય છે.

શનિવારે અરુણાનો મૃતદેહ તેના ઘરે પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો અને એ બનાવની જાણ તેના મિત્રોને થતાં તેમણે પોલીસને જાણ કરવાને બદલે તેના મૃતદેહને પંખેથી કાઢીને સીધા નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને હૉસ્પિટલમાં ગયા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ‘કેસની તપાસ ચાલી રહી છે અને અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ જેથી અરુણાના મૃત્યુનું કારણ જાણી શકાય, કારણ કે તેનો મૃતદેહ પંખે લટકતો જોવા મળ્યો હતો છતાં તેના ગળા પર કોઈ નિશાન જોવા મળ્યાં નહોતાં.’

પોલીસ હજી સુધી કોઈ નિષ્કર્ષ પર આવી શકી નથી અને એની તપાસ ચાલી રહી છે, પણ અરુણાના મૃત્યુ બાબતે તેના નજીકના રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અરુણાએ નવું ઘર ખરીદ્યું હતું અને એની ખુશીમાં તેણે શુક્રવારે તમામ મિત્રોને પાર્ટી માટે ઘરે બોલાવ્યા હતા. અરુણાનો પતિ કામ માટે થોડો સમય ગોવા ગયો હતો એથી આ સમય દરમ્યાન તે ઘરે એકલી હતી. તેના ઇન્વિટેશન પર સાંજના સમયે તેના મિત્રો તેના ઘરે ગયા હતા અને દરવાજો ખટખટાવ્યો હતો, પણ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ખાસ્સા સમય સુધી તેણે દરવાજો નહીં ખોલતાં તેમણે ડુપ્લિકેટ ચાવીવાળાને દરવાજો ખોલવા બોલાવ્યો હતો અને તેણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અરુણા પંખે લટકતી જોવા મળી હતી.’

અરુણા છેલ્લા થોડા સમયથી ટેન્શનમાં રહેતી હતી એમ જણાવતાં તેના રિલેટિવે વધુમાં કહ્યું હતું કે  ‘તે એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતી હતી છતાં તેના પરિવારને આર્થિક સમસ્યા હતી અને તેનો પતિ પણ કામ માટે મુંબઈ-ગોવા વચ્ચે આવ-જા કરતો હતો. આર્થિક સમસ્યા હોવાને કારણે તે સતત ટેન્શનમાં રહેતી હતી એને કારણે કદાચ તેણે આ પગલું ભર્યું હોઈ શકે.’