અરુણ ગવળીના ચહેરા પર પશ્ચાત્તાપનો કોઈ ભાવ નહીં

06 September, 2012 05:07 AM IST  | 

અરુણ ગવળીના ચહેરા પર પશ્ચાત્તાપનો કોઈ ભાવ નહીં

શિવસેનાના કૉર્પોરેટર કમલાકર જામસાંડેકરની હત્યાના મામલે અરુણ ગવળી તથા ૧૦ અન્યોને ગુનેગાર જાહેર કરવામાં આવતાં તેમના રાજકીય પક્ષ અખિલ ભારતીય સેનાને ભારે ફટકો પડ્યો છે. સ્પેશ્યલ મોકા કોર્ટે ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટની રાજકીય પાંખના વડા તરીકે પણ અરુણ ગવળીને ઓળખાવ્યો હતો.

૪૩૯ પાનાંના ચુકાદામાં જજ પૃથ્વીરાજ ચવાણે સ્વીકાર્યું હતું કે ‘ફરિયાદી પક્ષ ભાયખલાની દગડી ચાલમાંથી ચાલતા ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટના વડા તરીકે અરુણ ગવળીને સાબિત કરવામાં સફળ થયો છે. પોતે ૬૦ વર્ષનો થયો હોવાથી તેના તરફ ઉદારતા બતાવવામાં આવે એવી વિનંતી પણ તેણે કરી છે તેમ જ બાળકો તથા વૃદ્ધ માતા પણ તેના પર નર્ભિર છે એમ કહ્યું છે. વળી જેટલો સમય જેલમાં વિતાવ્યો છે એને સજાના ભાગરૂપે ગણી તેને છોડવામાં આવે એવું કહ્યું છે, પરંતુ મને તેના ચહેરા પર પશ્ચાત્તાપનો કોઈ ભાવ દેખાયો નથી.’

કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે અરુણ ગવળીને તેના વિરોધીઓએ તેમની રાજકીય કારર્કિદી ભયમાં જણાતાં ફસાવ્યો હોવાની વાતને પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યો છે એટલે બચાવ પક્ષની દલીલને માન્ય કરી શકાય એમ નથી. અરુણ ગવળીને ફાંસીની જગ્યાએ જન્મટીપની સજા આપવાના મુદ્દે જજે વકીલ સુદીપ પાસબોલાની દલીલને માન્ય રાખતાં કહ્યું હતું કે ‘આવું કંઈ પહેલી વખત નથી થયું કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિની હત્યા કરવામાં આવી હોય. મૃત્યુદંડની સજા છતાંય ગુનાખોરીના પ્રમાણમાં કોઈ ઘટાડો નથી થયો. આટલાં વર્ષો વીતી જવા છતાં અરુણ ગવળી વિરુદ્ધના ક્રિમિનલ કેસમાં તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો નથી.’

કોર્ટે કહ્યું હતું કે વકીલ સુદીપ પાસબોલાની દલીલો એક ટેક્નિકલ ભૂલો છે જેનાથી અરુણ ગવળી વિરુદ્ધના કેસના બચાવ પર કોઈ મોટી અસર થઈ શકતી નથી.

મોકા - = મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગે‍નાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ