તમારી પત્નીને પરપુરુષ સાથે જોઈ જાઓ અને પોલીસમાં ફરિયાદ કરવા જાઓ તો તમારી જ ધરપકડ થઈ શકે છે

14 October, 2014 02:57 AM IST  | 

તમારી પત્નીને પરપુરુષ સાથે જોઈ જાઓ અને પોલીસમાં ફરિયાદ કરવા જાઓ તો તમારી જ ધરપકડ થઈ શકે છે



મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મુંબઈ સહિત રાજ્યભરમાં ૧૫ ઑક્ટોબરે મતદાન થવાનું છે એને ધ્યાનમાં લઈને પોલીસે અગમચેતીનાં પગલાં ભરવા માંડ્યાં છે અને કેટલીક કાર્યવાહી નિયમ પ્રમાણે મતદાન પહેલાં પણ થવાની છે. મતદાન પહેલાં પોલીસની મહત્વની એક કામગીરી છે પ્રિવેન્ટિવ અરેસ્ટ એટલે કે ગુનો રોકવા માટેની ધરપકડ.

પ્રિવેન્ટિવ અરેસ્ટ છે શું?

મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે આવી અરેસ્ટ બે પ્રકારે થાય છે : એક ૧૨ કલાક માટે અને બીજી વધુમાં વધુ ૧૪ દિવસ માટે. ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-નંબર ૧૫૧ (૧) અંતર્ગત પોલીસ કોઈ પણ વ્યક્તિની ૧૨ કલાક સુધી અરેસ્ટ કરી શકે છે અને આવા લોકોને કોર્ટમાં હાજર નથી કરવાના હોતા. જો શાંતિપૂર્ણ મતદાનના હેતુસર આવા લોકોની અટક કરી હોય તો પોલીસ એવા પ્રયત્ન પણ કરે છે કે આવા લોકોને મતદાન પૂરું થવાના બે કલાક પહેલાં છોડી મૂકવામાં આવે જેથી તેઓ મતદાન કરી શકે. જોકે આવી અરેસ્ટ માત્ર ચૂંટણીલક્ષી જ થાય એવું નથી. આ કલમ હેઠળ સામાન્ય દિવસોમાં પણ ઘણી વાર કોઈ ગુનો થતો રોકવા માટે પોલીસ કોઈની પણ ધરપકડ કરી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ પુરુષ પોતાની પત્નીને અન્ય કોઈ પુરુષ સાથે વાંધાજનક હાલતમાં જોઈ ગયો હોય અને તે પત્ની સામે ફરિયાદ નોંધાવવા જાય તો ઘણી વાર પોલીસ આવા પુરુષની ૧૨ કલાક માટે અટક કરી શકે છે, કેમ કે આવી માનસિક હાલતમાં કદાચ તે પોતાની પત્ની કે પત્નીના યાર અથવા બન્નેની હત્યા કરી બેસે. તેથી પોલીસ આવી વ્યક્તિને ૧૨ કલાક સુધી પોલીસ-સ્ટેશનમાં બેસાડી શકે છે.

બીજા પ્રકારની પ્રિવેન્ટિવ અરેસ્ટ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-નંબર ૧૫૧ (૩) અંતર્ગત કરવામાં આવે છે. એમાં પકડાયેલા લોકોમાંથી ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતા હોય તેમના વધુમાં વધુ ૧૪ દિવસના રિમાન્ડ પોલીસ માગી શકે છે. આવા કેસોમાં ક્રિમિનલ રેકૉર્ડ પ્રમાણે કોર્ટ આરોપીને પોલીસ-કસ્ટડી કે જુડિશ્યલ કસ્ટડીનો આદેશ આપી શકે છે. આવા આરોપી માટે કોર્ટના આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવે છે કે તેને કયા દિવસે અને કેટલા વાગ્યે જવા દેવો. આ કલમ હેઠળ પકડાયેલા લોકોને પોલીસે મતદાન પહેલાં કોર્ટમાં હાજર કરવાના હોય છે. જોકે આવા આરોપીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે.

જનરલ અને પ્રિવેન્ટિવનો ફરક શું?

સામાન્ય રીતે કોઈ પણ કેસમાં ધરપકડ પહેલાં પોલીસ-સ્ટેશનમાં ફસ્ર્ટ ઇન્ફર્મેશન રર્પિોટ નોંધવામાં આવે છે. જો ધરપકડ બાદ કોર્ટ જામીન આપે તો આરોપીએ ઓછામાં ઓછી બે વ્યક્તિની શ્યૉરિટી આપવી પડે છે. જામીન મળ્યા બાદ તેની સામે કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવે છે. પછી કોર્ટમાં કેસ ચાલે છે અને દોષી સાબિત થાય તો તેને ગુના પ્રમાણે સજા થાય છે. જોકે પ્રિવેન્ટિવ અરેસ્ટમાં આવીબધી કાનૂની વિધિ નથી કરવામાં આવતી. આવી વ્યક્તિઓની એન્ટ્રી પોલીસ-સ્ટેશનની ડાયરીમાં કરવામાં આવે છે.

બૉમ્બે પોલીસ ઍક્ટમાં પણ આવી વ્યવસ્થા

પોલીસ માત્ર ક્રિમિનલ પ્રોસીજર ઍક્ટની કલમો હેઠળ જ નહીં, બૉમ્બે પોલીસ ઍક્ટની કલમ-નંબર ૬૬ અંતર્ગત પણ પ્રિવેન્ટિવ અરેસ્ટ કરી શકે છે. જો પોલીસને કોઈ રૅલી કે મોરચો અટકાવવો હોય કે કોઈ ટોળું પોતાની મેળે જ અરેસ્ટ કરાવવા માગતું હોય (જેલભરો આંદોલન ટાઇપ) ત્યારે પોલીસ બૉમ્બે પોલીસ ઍક્ટ અંતર્ગત પ્રિવેન્ટિવ અરેસ્ટ કરે છે. આવી અરેસ્ટમાં સામાન્ય રીતે પોલીસ આરોપીઓને પોલીસ-સ્ટેશન સુધી પણ ન લઈ જાય અને પોલીસની ગાડીઓમાં બેસાડીને કેટલાક કિલોમીટર દૂર જઈને છોડી મૂકે છે. આવા કેસમાં આરોપીઓને બૉમ્બે પોલીસ ઍક્ટની કલમ-નંબર ૬૮ અંતર્ગત છોડી મૂકતાં પહેલાં તેમનાં નામ પોલીસની ડાયરીમાં નોંધવામાં આવે છે.