આંબેડકરના મુંબઈના નિવાસસ્થાનમાં તોડફોડ કરનારની ધરપકડ

09 July, 2020 06:05 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આંબેડકરના મુંબઈના નિવાસસ્થાનમાં તોડફોડ કરનારની ધરપકડ

દાદરમાં આવેલા આંબેડકરના નિવાસસ્થાનમાં કરાયેલી તોડફોડ.

સેન્ટ્રલ મુંબઈના માટુંગામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન ‘રાજગૃહ’ ખાતે તોડફોડ કરનારા એક જણની પોલીસે બુધવારે અટકાયત કરી હતી. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિતના રાજકીય નેતાઓએ વખોડી કાઢી હતી. ઠાકરેએ જણાવ્યું હતું કે આ મામલામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકર દ્વારા માટુંગા પોલીસ-સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર સીસીટીવીમાં ઝડપાઈ ગયેલો અજાણ્યો આરોપી માનસિક રીતે અસ્થિર હોય એમ જણાય છે.
ભીમરાવ આંબેડકરે સોમવારે સાંજે એક જણને ઘરની નજીક જોયો હતો. જ્યારે તેમણે તેના આગમનનું કારણ પૂછ્યું તો તે માણસ જતાં પહેલાં રોષભરી નજરે તેમને તાકી રહ્યો. મંગળવારે રાતે તે શખ્સ ‘રાજગૃહ’ના પરિસરમાં પ્રવેશ્યો અને ફૂલોનાં કૂંડાં તોડી નાખ્યાં, ફૂલછોડ, સીસીટીવી કૅમેરાને હાનિ પહોંચાડી ભાગતાં પહેલાં બારી પર પથ્થરો ફેંક્યા. આ મામલે આઇપીસીની કલમ 427 અને 447 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ સીસીટીવી ફુટેજ તપાસી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ એવી શંકા હતી કે આ કૃત્ય પાછળ બે વ્યક્તિની સંડોવણી છે, પણ હવે સ્પષ્ટ થયું છે કે એક જ આરોપી છે અને શકમંદને કસ્ટડીમાં લઈ લેવાયો છે.
દાદરની હિન્દુ કૉલોનીમાં આવેલા બે માળના આ હેરિટેજ બંગલોમાં મ્યુઝિયમ આવેલું છે જ્યાં ડૉ. આંબેડકરના વિશાળ પુસ્તક સંગ્રહ, તેમનાં અસ્થિફૂલ તથા તેમના જીવન સાથે સંકળાયેલી અન્ય ચીજવસ્તુઓને સાચવી રાખવામાં આવ્યાં છે. ડૉ. આંબેડકર બે દાયકા આ બંગલોમાં રહ્યા હતા.

આંબેડકરના ઘરને મળશે કાયમી પોલીસસુરક્ષા
દાદરમાં આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન રાજગૃહને કાયમી ધોરણે પોલીસસુરક્ષા મળશે, એમ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું. રાજ્ય સરકારે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કૅબિનેટ મીટિંગમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાયા બાદ સરકારે રાજગૃહને કાયમી ધોરણે પોલીસ‍સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.

mumbai mumbai news babasaheb ambedkar