અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન

07 January, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન

અર્ણબ ગોસ્વામી

મુંબઈ વડી અદાલતે વર્ષ ૨૦૧૮માં આર્કિટેક્ટ અન્વય નાઈકે કરેલા આપઘાતના કેસમાં રિપબ્લિક ટીવી ચૅનલના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામી તથા અન્ય બે આરોપીઓને તેમની અરજીઓમાં સુધારો કરવા અને તેમની સામે ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટ રેકૉર્ડ પર મૂકવા માટે વધુ સમય આપ્યો હતો. આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈકને આપઘાત માટે મજબૂર કરવાના કેસમાં વર્ષ ૨૦૨૦ના ડિસેમ્બરમાં ઇશ્યુ કરવામાં આવેલા સમન્સના અનુસંધાનમાં અર્ણબ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતીશ સારડાએ આજે અલીબાગની મૅજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર થવાનું રહેશે.

અર્ણબ ગોસ્વામીએ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં પોતાની સામે અલીબાગ પોલીસમાં નોંધાયેલો એફઆઇઆર રદ કરવાની માગણી કરતી અરજી મુંબઈ વડી અદાલતમાં કરી હતી. ત્યાર પછી પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટને પડકારી શકાય એ માટે એમાં સુધારા કરવાની માગણી કરી હતી. ગયા ડિસેમ્બર મહિનામાં એ માગણી વડી અદાલતે સ્વીકારી હતી. ગયા બુધવારે અર્ણબ ગોસ્વામીના વકીલ નિરંજન મુંદારગીએ ચાર્જશીટ દળદાર હોવાથી તેમ જ એ મરાઠીમાં હોવાથી એનો અનુવાદ કરાવવાનો હોવાનું જણાવતાં અરજીમાં સુધારા માટે વધુ સમય માગ્યો હતો. મુંબઈ વડી અદાલતે અરજીની આગામી સુનાવણી ૧૧ ફેબ્રુઆરી પર મુલતવી રાખતાં અર્ણબ તથા અન્ય બે આરોપીઓને પણ વધુ સમય ફાળવાયો હતો.  

mumbai mumbai news alibaug arnab goswami