મૅરેજ અને કન્વેન્શન હૉલને કુલ ક્ષમતાના ૫૦ ટકા સાથે કામ કરવા દેવાની માગણી મંજૂર

29 November, 2021 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફામ અને બૉમ્બે કેટરિંગ અસોસિએશનની મૅરેજ અને કન્વેન્શન હૉલને કુલ ક્ષમતાના ૫૦ ટકા સાથે કામ કરવા દેવાની માગણી થઈ મંજૂર

ગયા અઠવાડિયે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીને નિવેદનપત્ર આપી રહેલા ફામ અને બૉમ્બે કેટરિંગ અસોસિએશનના પદાધિકારીઓ.

ફામ અને બૉમ્બે કેટરિંગ અસોસિએશનના પદાધિકારીઓએ ગયા અઠવાડિયે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીને નિવેદનપત્ર આપીને મૅરેજ હોલ, કન્વેન્શન હૉલ વગેરેને કુલ ક્ષમતાના ૫૦ ટકા સાથે કામ કરવાની મંજૂરી આપવાની માગણી કરી હતી જે મંજૂર થઈ હતી. 
મહારાષ્ટ્ર સરકારે શનિવારે નવી જાહેર કરેલી ગાઇડલાઇનમાં મૅરેજ હોલ, કન્વેન્શન હૉલ વગેરેને કુલ ક્ષમતાના ૫૦ ટકા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી કોવિડના પ્રતિબંધોને કારણે વેડિંગ ઇન્ડસ્ટ્રી લગભગ મૃત્યુના આરે હતી. જોકે છેલ્લા છ મહિનામાં અમારા અસોસિએશને અને બૉમ્બે કેટરિંગ અસોસિએશને સાથે મળીને મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ સાથે સંખ્યાબંધ બેઠકો કરી હતી. અમે સરકારને આ ઇન્ડસ્ટ્રી અને એની સાથે સંકળાયેલાં લોકો માટે તેમના હૉલની પચાસ ટકા ક્ષમતા પર મૅરેજ હૉલને કામ કરવા દે એવી વિનંતી કરી હતી.’ 
ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘શનિવારના નવા આદેશ માટે અમે મહાવિકાસ આઘાડી સરકારના સીએમ ઉદ્ધવ ઠાકરે, ડેપ્યુટી સીએમ અજિતદાદા પવાર, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ ચહલ, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીનો અમારી વિનંતી સ્વીકારવા અને પરવાનગી આપવા બદલ આભાર માનીએ છીએ.’ 

Mumbai mumbai news