આજનો બંધ રહેશે બેઅસર

26 February, 2021 09:49 AM IST  |  Mumbai | Rohit Parikh

આજનો બંધ રહેશે બેઅસર

ફાઈલ તસવીર

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ની આંટીઘૂંટી અને કડક નિયમોના વિરોધમાં આજે દેશભરમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા વ્યાપાર બંધની જાહેરાત કરવામાં આવી છે. એની સામે નવી મુંબઈની સૌથી મોટી જથ્થાબંધ બજારોના વેપારીઓ અને મુંબઈની અનેક હોલસેલ બજારોના વેપારીઓએ અત્યારના કટોકટીના સમયમાં બંધથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ વેપારીઓ જીએસટીનો વિરોધ ફક્ત કાળી પટ્ટી પહેરીને કરશે. જોકે આ બંધમાં રીટેલ ટ્રાન્સપોર્ટરો જોડાયા ન હોવાથી મુંબઈમાં વ્યાપાર બંધની અસર દેખાશે નહીં, પણ ચક્કાજામ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

કોરોનાના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ગમે ત્યારે લૉકડાઉન જાહેર કરી શકે છે એવો ભય હોલસેલ અને રીટેલ વેપારીઓમાં અત્યારે પ્રસરેલો છે એમ જણાવતાં મુંબઈની ૧૨૧ વર્ષ જૂની વેપારી સંસ્થા ગ્રોમાના જનરલ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીએસટીના આકરા નિયમો વેપારીઓ માટે આફત બનીને આવ્યા છે. આમ છતાં કોરોનાને કારણે ફરીથી લૉકડાઉન આવશે એવી બધાને ભીતિ છે જેના પરિણામે અત્યારે એપીએમસીની બધી જ માર્કેટોમાં જબરદસ્ત ઘરાકી શરૂ થઈ છે. રીટેલ ઘરાકો પણ અત્યારથી સાવધાનીપૂર્વક માલની ખરીદી કરવા ઊમટી પડ્યા છે. આવા સમયે વ્યાપારો બંધ કરવા એ પોતાના પગ પર કુહાડો મારવા સમાન છે. એથી અમારી બજારોએ ગઈ કાલે એક મીટિંગમાં ફક્ત કાળી પટ્ટી પહેરીને જીએસટીનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. અમારા જેવો જ નિર્ણય મસાલાબજારનાં અને ડ્રાયફ્રૂટ્સ માર્કેટ સાથે જોડાયેલાં સંગઠનો દ્વારા લેવામાં આવ્યો છે. રીટેલ ટ્રાન્સપોર્ટરો આ બંધમાં જોડાવાના ન હોવાથી માર્કેટના વ્યાપાર પર આજના ભારત બંધની અસર થશે નહીં.’

મહારાષ્ટ્રમાં ૪૫૦થી વધુ વ્યાપારી અસોસિએશનોનું નેતૃત્વ કરી રહેલા ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના પ્રમુખ વિનેશ મહેતાએ

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીએસટીના બની રહેલા કડક નિયમોનો ફામ તરફથી હંમેશાં વિરોધ થતો રહ્યો છે અને થતો રહેશે, પરંતુ છેલ્લા ૧૧ મહિનાથી માંડ વેપારીઓને બિઝનેસમાં કળ વળી છે. ત્યાં બંધ કરીને બિઝનેસ પર ફરીથી અલ્પવિરામ લાવવાની વાત છે. આથી અમારી સાથે જોડાયેલાં અસોસિએશનો આ બંધમાં જોડાશે નહીં. ફક્ત કાળી પટ્ટી પહેરીને જીએસટીના નિયમોનો વિરોધ કરવામાં આવશે.’

ફામ જેવો જ નિર્ણય ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ)એ પણ લીધો છે. એના અધ્યક્ષ મોહન ગુરનાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બંધમાં જોડાયા વગર જ કાળી પટ્ટી પહેરીને જીએસટીના નિયમો અને કાયદાનો વિરોધ કરીશું. અત્યારે વેપારીઓ જીએસટીના નિયમોથી એટલા બધા મૂંઝાયેલા અને ગભરાયેલા છે કે એની સીધી અસર તેમના બિઝનેસ પર પડી રહી છે.’

કૈટ ફક્ત કોઈ એક સ્ટેટ કે શહેરની નહીં, દેશભરના ૭ કરોડ વેપારીઓની સંસ્થા છે અને એ દેશભરના વેપારીઓ માટે લડી રહી છે એવી જાણકારી આપતાં કૈટના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સંસ્થા એપીએમસીના વેપારીઓની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે. જીએસટી સમગ્ર દેશના નાના-મોટા બધા જ વેપારીઓ માટે આકરો બની ગયો છે. એટલે અમે મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓને આ બંધમાં સામેલ થવાની હાકલ કરી છે. સબકા સાથ, સબકા વિકાસ. જીએસટી સામે એક થઈને બંધ રાખીશું તો એ સિંહગર્જના અસરકારક નીવડશે. બધાં જ સંગઠનોએ સાથે રહીને આજના બંધમાં જોડાવાની જરૂર છે.’

મુંબઈમાં ચક્કાજામ જરૂર થશે અને એની અસર માર્કેટો પર થશે એમ જણાવતાં બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ જયકુમાર ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બંધમાં જોડાવાના નહોતા, પરંતુ સરકાર સાથેની મીટિંગમાં જીએસટીના કાયદાઓને લીધે ટ્રાન્સપોર્ટરો સાથે થઈ રહેલા અન્યાય અને અત્યાચારમાં કોઈ રાહત મળવાની આશા જન્મી નહોતી જેથી અમે આજના બંધમાં મોટી સંખ્યામાં જોડાઈશું. અમારી ઍપેક્સ બૉડી ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલ્ફેર અસોસિએશને બંધની હાકલ કરી હોવાથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચક્કાજામ થવાની પૂરેપૂરી શકયતાઓ છે.’

મસ્જિદ બંદરમાં ધરણાં

આજના ભારત વ્યાપાર બંધ દરમ્યાન મુંબઈમાં મસ્જિદ બંદરના કેશવજી નાઈક રોડ પર આવેલી ધ બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશનની ઑફિસમાં ‌જીએસટી અને ઈ-વે બિલના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાયદાઓનો વિરોધ કરવા માટે કૈટને સંલગ્ન અસોસિએશનોના પદાધિકારીઓ અને સમર્થકો તરફથી બપોરે ૩.૩૦ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણાં યોજાશે.

mumbai mumbai news ods and services tax apmc market