એપીએમસીના વેપારીઓએ આપી હડતાળની ચીમકી

21 August, 2020 11:33 AM IST  |  Mumbai | Mumbai correspondent

એપીએમસીના વેપારીઓએ આપી હડતાળની ચીમકી

એપીએમસી માર્કેટ

કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી ખેત માલ સંદર્ભે માર્કેટ ઓપન કરી બધે જ ડાયરેક્ટ વેચવાની છૂટ આપી દીધી છે, જેના કારણે હાલ નવી મુંબઈની એપીએમસીની અંદર રહી વેપાર કરતા વેપારીઓને ધંધો ૧-૩ ઘટી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે માર્કેટ મેઇન્ટેન કરવા સરકાર જે પોઇન્ટ ૮ ટકા સેસ લે છે એના કારણે બહુ મોટો ભાવ ફરક પડી જાય છે. એ નાબૂદ કરો નહીં તો અહીંના વેપારનો મૃત્યુઘંટ વાગી જશે. સરકારમાં આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં માત્ર ઠાલાં આશ્વાસનો મળતાં વેપારીઓ હવે અકળાયા છે અને એથી આખા રાજ્યની ૩૦૬ એપીએમસી ૨૫ ઑગસ્ટના એક જ દિવસે હડતાલ પાડશે. જો એ પછી પણ તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર કરવું પડશે એમ ગ્રોમાના પ્રેસિડન્ટ શરદકુમાર મારુએ જણાવ્યું હતું.
મસાલા માર્કેટના ડિરેક્ટર વિજય ભુતાએ આ વિશે કહ્યું હતું કે ઘઉં, ચોખા, ડ્રાયફ્રૂટ અને અન્ય કેટલીક ચીજો પર સેસ લાગે છે, જ્યારે શુગર અને અન્ય કેટલીક ચીજો પર નથી લાગતો. પણ હવે બને છે એવું કે ડ્રાયફ્રૂટ જેવાં કે કાજુ-બદામના કિલોના ભાવ જ વધુ હોવાથી એ નાની ક્વૉન્ટિટીમાં ખરીદાય તો પણ સેસની રકમ વધી જાય. જ્યારે બીજી બાજુ ઘઉં-ચોખાનો ભાવ વધુ નથી હોતો, પણ એ ક્વૉન્ટિટીમાં લેવાતા હોય છે.
એટલે સરવાળે એમાં પણ સેસની રકમ મોટી જ થતી હોય છે. માર્કેટ યાર્ડની બહાર એ જ માલ સસ્તો મળતો હોય તો કયો ગ્રાહક માર્કેટમાં આવીને એ માલ લેશે ? જો આવું જ ચાલુ રહ્યું તો માર્કેટ યાર્ડમાં વેપાર ખતમ થઈ જશે.’

mumbai mumbai news apmc market