અમને આપો વૅક્સિનેશનમાં પ્રાથમિકતા

26 February, 2021 10:50 AM IST  |  Mumbai | Rohit Parikh

અમને આપો વૅક્સિનેશનમાં પ્રાથમિકતા

ફાઈલ તસવીર

મુંબઈ, નવી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના વેવની શરૂઆત થઈ છે ત્યારે કોવિડના નિયમોના પાલન સાથે વાશીની એપીએમસી માર્કેટ પહેલાંની જેમ જ ધમધમતી રહે અને આમ જનતામાં જીવનાવશ્યક વસ્તુઓ પહોંચતી રહે એ માટે અમારા વેપારીઓ અને કર્મચારીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વૅક્સિન આપવામાં પ્રાયોરિટી આપવી જોઈએ એવી માગણી એપીએમસીના દાણાબજારના વેપારીઓએ અને એપીએમસીના ડિરેક્ટર નીલેશ વીરાએ સરકાર સમક્ષ કરી છે.

મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગયા વર્ષે ૨૨ માર્ચથી કોરોનાવાઇરસની શરૂઆત થઈ હતી જેને પગલે મહારાષ્ટ્ર અને દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લૉકડાઉનને કારણે મુંબઈ, નવી મુંબઈ, થાણે, રાયગડ, પાલઘર જિલ્લામાં તમામ હોલસેલરો બંધ હતા તેમ જ મોટા ભાગના વેપારીઓ પાસે અને લોકોના ઘરમાં અનાજનો સ્ટૉક નહોતો અને માલની અછત સર્જાવાની હતી. જોકે આ સંજોગોમાં પણ નવી મુંબઈની એપીએમસી માર્કેટના દાણાબજારના વેપારીઓએ તેમની દુકાનો અને ગોડાઉનો ખુલ્લાં રાખીને અદ્ભુત સંચાલન સાથે સતત ૬૮ દિવસ સુધી લોકોને અનાજનો પુરવઠો પૂરો પાડ્યો હતો.

આ માહિતી આપતાં ગ્રોમાના જનરલ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માર્કેટના વેપારીઓ અને દલાલોએ એ સમયે લશ્કરના સૈનિકોની ભૂમિકા ભજવી હતી. મીડિયામાં સતત કોરોનાના ભયજનક સમાચારો આવી રહ્યા હતા અને દાણાબજારમાં કામ કરતા માથાડી કામગારો પણ વતનમાં ચાલ્યા ગયા હતા ત્યારે બહારના મજૂરો લાવીને આ માર્કેટના વેપારીઓએ શો મસ્ટ ગો ઑન કહીને તેમનું કામકાજ ચાલુ રાખ્યું હતું. ઉપરાંત બહારગામથી જરૂરી સામાન લાવનારાઓને ત્રણે ટાઇમ વિનામૂલ્ય ઉત્તમ ભોજન આપ્યું હતું.’

ખરા અર્થમાં ડૉક્ટર અને નર્સની જેમ કોરોના વૉરિયર્સ તરીકે અમારી માર્કેટના વેપારીઓએ પણ કોઈ આશા વિના કામ કર્યું હતું અને સરકારના એક જ કૉલ પર બ્લડ ડોનેશન કૅમ્પ યોજીને બ્લડની પણ વ્યવસ્થા ઊભી કરી હતી એમ જણાવતાં નીલેશ વીરાએ કહ્યું હતું કે ‘આજે મુંબઈ, નવી મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી વેવની શરૂઆત થઈ ગઈ છે. એની સાથે અમારા વેપારીઓએ પણ પહેલી વેવની જેમ જ મુંબઈ અને નવી‌ મુંબઈની આસપાસ અનાજ-કરિયાણાં અને જીવનાવશ્યક વસ્તુઓની ક્રાઇસિસ ન થાય એ માટે અત્યારથી જ બધાને જાગ્રત કરી દીધા છે. અમે ફરીથી વધુ સારી રીતે દેશને સેવા આપી શકીએ એ માટે સરકારે એપીએમસી માર્કેટમાં કૅમ્પ લગાડીને વેપારીઓ અને તેમના કર્મચારીઓને વૅક્સિનનો ડોઝ આપવાની શરૂઆત કરી દેવી જોઈએ, જેથી કોરોનામુક્ત બનીને આ વેપારીઓ તેમનાં કામકાજ બંધ રાખ્યા વગર તેમની સેવા અવિરત આપી શકે. ઉપરાંત જનતાને પણ માર્કેટમાં આવવામાં સહેજ પણ ભય લાગે નહીં અને અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે દોડી શકે.’ 

નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર શું કહે છે?

આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતાં નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપીએમસીના દાણાબંદરના ડિરેક્ટર નીલેશ વીરાએ દાણાબજારના વેપારીઓને પ્રાયોરિટીમાં વૅક્સિન આપવામાં એવી માગણી અમારા કાર્યાલયમાં મોકલી હશે, પણ મને એની જાણકારી નથી. આ બાબતનો નિર્ણય રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરવાનો છે. વેપારીઓ મેડિકલ કે ફ્રન્ટ વૉરિયર્સ કૅટેગરીમાં આવતા નથી. આમ છતાં તેમની સેવાની કદરરૂપે તેમને પ્રાયોરિટીમાં વૅક્સિન મળે એ માટે મારા તરફથી હું સરકાર સામે પ્રસ્તાવ ચોક્કસ મૂકીશ. આ વેપારીઓએ કોરોનાકાળમાં આપેલી સેવાની કદર જેટલી કરીએ એટલી ઓછી છે. તેઓ સતત સરકારની અને જનતાની સાથે રહ્યા છે.’

coronavirus covid19 mumbai mumbai news apmc market