એપીએમસીમાં વેપારીઓ પાસેથી સેસ તો લેવાય છે, પણ સર્વિસના નામે મીંડું

14 February, 2021 11:50 AM IST  |  Mumbai | Rohit Parikh

એપીએમસીમાં વેપારીઓ પાસેથી સેસ તો લેવાય છે, પણ સર્વિસના નામે મીંડું

એપીએમસીના દાણાબજારમાં તૂટી ગયેલી ગોડાઉનની દીવાલ

નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)ની દાણાબજારમાં ગઈ કાલે વહેલી સવારે જે-૨૯ ગોડાઉનની દીવાલ અંદર રાખેલી ચોખાની ગૂણીઓ અને લોખંડના વજનકાંટા સાથે તૂટી પડી હતી. એમાં વજનકાંટાના ફુરચેફુરચા ઊડી ગયા હતા. સદ્નસીબે કોઈ જ જાનહાનિ નહોતી થઈ. આ બનાવથી એપીએમસી માર્કેટની ઇમારતોની જાળવણી સામે અનેક સવાલ ઊભા થયા છે.

આ બનાવ માટે દાણાબંદરના વેપારીઓ કહે છે કે ત્રીસ વર્ષમાં આ પહેલો બનાવ છે, પણ જો એપીએમસી માર્કેટનો જાળવણી વિભાગ અત્યારની જેમ જ બેદરકાર રહેશે તો નજીકના ભવિષ્યમાં આવા બનાવો વધી શકે છે. જોકે એપીએમસીના જાળવણી વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બનાવ ઓવરલોડિંગને કારણે થયો છે.

આ બનાવની માહિતી આપતાં જે-૨૯ના ભાડૂત દામજી ગોરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ છેલ્લા એક વર્ષથી આ ગોડાઉનની જગ્યા મેં ભાડે લીધી છે. ગોડાઉનની હાલત જર્જરિત થઈ જવાથી એપીએમસી પાસે રિપેરિંગની પરવાનગી માગી હતી, પરંતુ એમણે આજ સુધી પરવાનગી આપી નહોતી. ગઈ કાલે સવારે ગોડાઉનકીપર ૯.૩૦ વાગ્યાની આસપાસ આવ્યો ત્યારે તેની નજર સામે જ ગોડાઉનની પાછળની દીવાલ મોટા ધડાકા સાથે તૂટી પડી હતી. એને કારણે ચોખાની ગૂણીઓ પણ ધસીને નીચે આવી ગઈ હતી. વજનકાંટા પર દીવાલ પડવાથી એના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કાંટો હવે ભંગારમાં જ આપવો પડશે. આ બનાવ પછી પણ અમને રિપેરિંગની પરવાનગી આપશે કે નહીં એનો અત્યારે અમને ખ્યાલ નથી.’

એપીએમસી વેપારીઓ પાસેથી ત્રીસ વર્ષથી કરોડો રૂપિયા સેસ વસૂલ કરે છે, પરંતુ ત્રીસ વર્ષ જૂની માર્કેટની ઇમારતોની જાળવણી પ્રત્યે તેઓ દુર્લક્ષ સેવી રહ્યા છે એમ જણાવીને ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ માર્કેટને ઊભી કર્યાને ત્રીસ વર્ષ થઈ ગયાં છે. આજ સુધી એપીએમસીએ આ માર્કેટની ઇમારતોની જાળવણી કરવા માટે કોઈ જ કાર્યવાહી કરી નથી. એને કારણે ઇમારતો જર્જરિત થવા લાગી છે. એપીએમસી વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા સેસ ઉઘરાવે છે, પણ વેપારીઓને એપીએમસી પાસેથી સુવિધાઓના નામે મીંડું જ મળે છે.’

એપીએમસીના સેક્રેટરી અનિલ ચવાણનો કોશિશ કરવા છતાં સંપર્ક નહોતો થઈ શકયો.

ગોડાઉનની હાલત જર્જરિત થઈ જવાથી એપીએમસી પાસે રિપેરિંગની પરવાનગી માગી હતી, પરંતુ એમણે આજ સુધી પરવાનગી આપી નહોતી. આ બનાવ પછી પણ અમને રિપેરિંગની પરવાનગી આપશે કે નહીં એનો અત્યારે અમને ખ્યાલ નથી.

- જે-૨૯ ગોડાઉનના ભાડૂત દામજી ગોરી

અમે ઇમારતોની જાળવણીની પરવાનગી આપી જ છે

mumbai mumbai news apmc market