એપીએમસીના ડિજિટલ વ્યવહાર ખોરવાઈ જશે?

26 February, 2023 07:35 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

હા, એવું બની શકે જો એપીએમસીને ૧૦ મોબાઇલ ટાવર હટાવવા માટે મળેલી નોટિસ પર અમલ થાય : એનએમએમસીનું કહેવું છે કે એ ગેરકાયદે છે, જ્યારે એપીએમસી કહે છે કે અમે ઠરાવ પાસ કરીને એ જગ્યા ટાવર માટે આપી છે એટલે એ ગેરકાયદે ન કહી શકાય

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : નવી મુંબઈના વાશીમાં એપીએમસી માર્કેટમાં આવેલા ૧૦ મોબાઇલ ટાવર ગેરકાયદે હોવાથી એ હટાવી લેવામાં આવે એ મુજબની નોટિસ નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એનએમએમસી)એ એપીએમસીની આપતાં મોટો કોયડો ઊભો થયો છે. હાલના સમયમાં જ્યાં મોટા ભાગનું કામ મોબાઇલ પર થાય છે. ઑર્ડર લેવા, ડિલિવરી કન્ફર્મ કરવી અને ઈવન પેમેન્ટ મોડ માટે પણ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, બૅન્કિંગ બધું જ ઇન્ટરનેટ પર ચાલે છે ત્યારે જો મોબાઇલ ટાવર હટાવી લેવામાં આવે તો બહુ મોટી સમસ્યા ઊભી થઈ શકે એમ એપીએમસીનું કહેવું છે. આવામાં ડિજિટલ વ્યવહાર પણ ખોરવાય એવી શક્યતા ઊભી થાય.
એપીએમસીમાં મોબાઇલના ૧૦ ટાવર ઊભા કરાયા છે, જે માટે એ મોબાઇલ ટાવરની કંપનીઓ વર્ષે દહાડે એપીએમસીને ૫૭ લાખ રૂપિયાનું ભાડું આપે છે. એનએમએમસીએ હવે આટલા વર્ષે એપીએમસીને નોટિસ મોકલાવીને કહ્યું છે કે એ ટાવર ઊભા કરવા બદલ અમારી પાસેથી પરવાનગી આપવામાં આવી નથી એટલે એ ગેરકાયદે ઊભા કરી દેવાયેલા ટાવરને હટાવી લેવામાં આવે. જોકે એ માટે શું કાર્યવાહી કરાશે કે શું દંડ આકારવામાં આવશે એનો કોઈ જ ઉલ્લેખ એ નોટિસમાં કરાયો નથી. 
જો આ ટાવર હટાવી લેવામાં આવે તો લોકોના મોબાઇલની રેન્જ જ નહીં પકડાય અને માર્કેટમાંથી અનેક લોકોનો સંપર્ક સ્થાપી નહીં શકાય એથી સમસ્યાઓ ઊભી થઈ શકે એમ છે. એપીએમસીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેબૂબ બેપારીએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્કેટમાં ૧૯૯૭થી આ મોબાઇલ ટાવર ઊભા કરાયા છે. એ માટે એપીએમસીએ ખાસ ઠરાવ પાસ કર્યો હતો અને એ ટાવર ઊભા કરવા માટે જગ્યા ભાડે આપી હતી. એ વખતે એ ઠરાવમાં અમે સ્પષ્ટ કહ્યું હતું કે એ ટાવર ઊભા કરવા માટે જે કંઈ પરવાનગીઓ લેવાની હોય એ પરવાનગીઓ એ મોબાઇલ કંપનીઓ (અથવા એની એજન્સી)એ લેવાની રહેશે. મોબાઇલ કંપનીઓની જે એજન્સી છે એણે એ માટે એનએમએમસીના નગર વિકાસ ખાતામાં અરજી પણ કરી હતી, પણ એ વખતે અમારી પાસે એ માટેની કોઈ ગાઇડલાઇન નથી એમ કહી એ પરવાનગીઓ અપાઈ નહોતી અને એ બાબત ઓરલી થઈ હતી, લેખિતમાં નહીં. એ સિવાય એ પછી જ્યારે કેન્દ્ર સરકાર અને હાઈ કોર્ટે મોબાઇલ ટાવર બાબતે ગાઇડલાઇન બહાર પાડી છે તો એના આધારે પણ નગર વિકાસ ખાતા દ્વારા પરવાનગી આપી શકાય. બીજી વાત એ કે એપીએમસીએ ટાવર ઊભા કરવા જગ્યા આપી એમાં કોઈ જગ્યાએ એફએસઆઇનો પ્રશ્ન આવતો જ નથી, કારણ કે એ સ્ટ્રક્ચરમાં બાંધકામ (ચણતર) કરાતું જ નથી. એ ટાવર જેમ ઇલેક્ટ્રિકના થાંભલા ઊભા કરાય છે એ જ રીતે લોખંડના થાંભલા પર ઊભા કરાય છે. વળી મોબાઇલ હવે જીવનજરૂરિયાતની ચીજ બની ગયો છે અને કમ્યુનિકેશનનું સૌથી હાથવગું સાધન છે એટલે એના ટાવર હટાવી લેવા મુશ્કેલ છે. અમે મોબાઇલ કંપનીઓની એજન્સીને કહ્યું છે કે એનએમએમસીએ અમને આ પ્રકારે નોટિસ મોકલાવી છે તો તમે અમને એ બાબતે લેખિતમાં જવાબ આપો જેથી અમે એનએમએમસીને જવાબ આપી શકીએ.’   

mumbai news bakulesh trivedi vashi