રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગત સામે વેપારીઓની બેમુદત બંધની ચીમકી

21 November, 2012 05:54 AM IST  | 

રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગત સામે વેપારીઓની બેમુદત બંધની ચીમકી



વેપારીઓની કરવામાં આવતી કનડગત બાબતે ગ્રોમાના પદાધિકારી પોપટલાલ ભંડારીએ કહ્યું હતું કે ‘છેલ્લા ત્રણથી ચાર મહિનાથી કન્ટ્રોલર ઑફ રૅશનિંગ અને નાગરી પુરવઠા વિભાગ-મહારાષ્ટ્રના અધિકારીઓ દ્વારા વેરહાઉસમાં પર રેઇડ પાડીને વેપારીઓનો માલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. તેમણે સૌથી પહેલાં ૨૧ જુલાઈએ રેઇડ પાડી હતી. જપ્ત કરેલા માલ સહિત લગભગ ૨૯ વેપારીઓના માલને આ લોકોએ ટેક્નિકલ કારણ આગળ ધરી સુનાવણી કરીને ઑક્શનમાં વેચી નાખવાનો આદેશ બહાર પાડ્યો હતો.’

વેપારીઓએ કંઈ ખોટું નથી કર્યું એવું બોલતાં ગ્રોમાના એક વેપારીએ કહ્યું હતું કે ‘ગ્રોમાના સભાસદ વેપારીઓએ મહારાષ્ટ્ર સરકારે નક્કી કરવા નિયમ મુજબ જ અનાજનો જથ્થો સ્ટોર કર્યો હતો, મર્યાદા કરતાં કોઈ વેપારીએ ખેતીઆધારિત માલનો જથ્થો કર્યો નથી. ગ્રોમાનો સભાસદ વેપારી કોઈ પણ પ્રકારનો વધારાનો માલ સ્ટોર કરતા નથી અને કોઈ નફાબાજી પણ કરતો નથી છતાં વારંવાર વેપારીઓ પર રેઇડ પાડી તેમનો માલ જપ્ત કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જપ્ત કરેલા માલની સુનાવણી થઈ ગઈ હોવા છતાં વેરહાઉસમાંથી છૂટો કરી એને વેચવા દેતા નથી. એટલે જો તાત્કાલિક ધોરણે વેપારીઓની સમસ્યાનો નિવેડો લાવવામાં નહીં આવે તો ૨૬ નવેમ્બરથી ગ્રોમાના વેપારીઓ બજાર બેમુદત બંધ કરી દેશે. એમાં ટ્રાન્સપોર્ટર, માથાડી કામગાર, દલાલ અને અન્ય તમામ લોકો પણ જોડાશે.’

એપીએમસી = ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી

ગ્રોમા = ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશ