પ્લૅટફૉર્મ પરની યુવતીને ટ્રેનમાંના પ્રવાસીએ થપ્પડ મારી, નાક તૂટ્યું

08 February, 2020 07:36 AM IST  |  Mumbai | Anurag Kamble

પ્લૅટફૉર્મ પરની યુવતીને ટ્રેનમાંના પ્રવાસીએ થપ્પડ મારી, નાક તૂટ્યું

અંકિતા ધુરી

એક મહિલા પ્રવાસી મુલુંડ રેલવે સ્ટેશન પ્લૅટફૉર્મ પર ઊભી હતી ત્યારે એક અજાણ્યા પ્રવાસીએ તેને થપ્પડ મારતાં તે યુવતીના નાકનું હાડકું તૂટી ગયું હતું.

૨૮ જાન્યુઆરીના રોજ બનેલા આ બનાવથી પચીસ વર્ષની તે યુવતી બેભાન થઈ ગઈ હતી. આટલો આઘાત ઓછો હોય એમ ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ હજી સુધી આ મામલે એફઆઇઆર દાખલ નથી કર્યો. આ બનાવની વિગત એવી છે કે મુલુંડની રહેવાસી અંકિતા ધુરી એક ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ૨૮ જાન્યુઆરીની સવારે તે મુલુંડ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહી હતી. રોજ તે જે ટ્રેનમાં જાય છે તેમાં ભારે ભીડ હોવાથી તેણે તે ટ્રેનમાં ન જવાનું નક્કી કર્યું. ટ્રેન સ્ટેશન છોડવા માંડી ત્યારે જ ટ્રેનમાંથી કોઈએ પોતાનો હાથ લાંબો કરીને અંકિતાને તમાચો ઝીંકી દીધો.

અંકિતાના જણાવ્યા પ્રમાણે ‘મને ફક્ત એટલું જ યાદ છે કે કોઈએ મને ખૂબ જોરથી ચહેરા પર મુક્કો માર્યો. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું હૉસ્પિટલના બિછાના પર પડી હતી. ડૉક્ટરોએ મને જણાવ્યું કે મારા નાકમાંથી ભારે લોહી વહી રહ્યું હતું. ત્યાં સુધીમાં મારા પિતા હૉસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેમણે મને જણાવ્યું કે મારા નાકમાં ફ્રેક્ચર થયું હતું અને તેને સાજું કરવું પડે એમ હતું.’ મુલુંડસ્થિત ધન્વંતરી હૉસ્પિટલ ખાતે અંકિતાનું ઑપરેશન થયું હતું. હૉસ્પિટલના ડૉક્ટર નવિન દાવડાએ કુર્લા જીઆરપીને અંકિતાની ઈજાઓ જણાવતો પત્ર પાઠવ્યો અને તેમને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું. કુર્લા જીઆરપીએ હૉસ્પિટલમાં અંકિતા તથા તેના પિતાનું નિવેદન નોંધ્યું અને તેમને એ મુજબના દસ્તાવેજ પર સહી કરવા જણાવ્યું કે તેઓ કોઈ ફોજદારી કેસ કરવા માગતા નથી. અંકિતાના પિતા અરુણ ધુરીએ જણાવ્યું હતું કે અમે તે સામે વાંધો ઉઠાવ્યો.

આ પણ વાંચો : મુંબઈ : ઉબરના ડ્રાઇવરે પકડાવેલા કવિના કેસની તપાસ કરશે એટીએસ

અધિકારીએ કહ્યું કે તેઓ કેસ નોંધાવવા માટે પછીથી અમારો સંપર્ક સાધશે. ચોથી ફેબ્રુઆરીના રોજ અંકિતાને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. તેની સારવાર પાછળ ૫૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો. અંકિતાના જણાવ્યા પ્રમાણે ‘મને એ નથી સમજાતું કે પોલીસ ફરિયાદ શા માટે દાખલ નથી કરી રહી. મને ૧૫ દિવસ સુધી આરામની સલાહ આપવામાં આવી છે. મારા પિતાએ પણ થોડા દિવસ રજા રાખવી પડી હતી. શું કોઈ મૃત્યુ પામે ત્યારે જ પોલીસ આ વાતને ગંભીરતાથી લેશે?’

Crime News mumbai crime branch mumbai crime news central railway mulund anurag kamble