મારી હયાતીમાં તો અહીંથી શિફ્ટ થવાનો ચાન્સ જ નથી

06 June, 2013 08:08 AM IST  | 

મારી હયાતીમાં તો અહીંથી શિફ્ટ થવાનો ચાન્સ જ નથી



દાદર મને પસંદ છે અને એ માટે એક નહીં અનેક કારણો છે. એ બધાં કારણોમાંનું સૌથી પહેલું કારણ એ છે કે મારું ઘર મોહન નિવાસ શિવાજી પાર્કની એક્ઝૅક્ટ સામે છે એટલે મારા ઘરની સામે ક્યારેય કોઈ હાઇરાઇઝ બિલ્ડિંગ ઊભું થઈ જાય એવા ચાન્સિસ નથી. બીજું કારણ એ છે કે દાદર આજે પણ ચોવીસ કલાક ધબકતું રહે છે. મુંબઈમાં રાતે બે વાગ્યે તમને ટ્રાફિક જોવા ન મળે, પણ દાદરમાં રાતે બે વાગ્યે પણ માણસોની અવરજવર ચાલુ હોય. ત્રીજું કારણ એ છે કે અહીં રહેતા લોકોને બીજી કમ્યુનિટીના લોકો સાથે કેવી રીતે રહેવું એની સૂઝ આપોઆપ આવી જતી હોય છે. દાદર રેલવે-સ્ટેશન પર ઊભા રહેતા કેટલાય એવા ટૅક્સી-ડ્રાઇવરોને હું ઓળખું છું જેઓ મરાઠી કે હિન્દી જ નહીં; તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલીની સાથોસાથ ભાંગી-ફૂટી ચાઇનીઝ અને ફ્રેન્ચ પણ બોલી લેતા હોય છે.

દાદરે અનેક મ્યુઝિક-ડિરેક્ટરો અને ક્રિકેટરો ઇન્ડિયાને આપ્યા છે. બાળાસાહેબ ઠાકરે જેવા ધુરંધર અને નવી જ વિચારધારા ધરાવતા રાજકારણી પણ દાદરને કારણે દેશને મળ્યાં છે. નાના પાટેકર, વિક્રમ ગોખલે, દિલીપ પ્રભાવળકર જેવા નામી અને ખ્યાતનામ ઍક્ટરોના સંબંધો દાદર સાથે રહ્યા છે. વિજય તેન્ડુલકર જેવા સિદ્ધહસ્ત લેખક પણ દાદર સાથે જોડાયેલા હતા. ત્રીસ વર્ષ પહેલાં જ્યારે મેં ઘર લીધું ત્યારે મને અનેક લોકોએ રોક્યો હતો અને કહ્યું હતું કે ભવિષ્યમાં દાદરમાં રહેવું અઘરું થઈ જશે, પણ મને તો આ ત્રીસ વર્ષમાં સહેજ પણ એવું લાગ્યું નથી. હા, ગંદકી વધી છે; પણ એ માનવસર્જિત દૂષણ છે, એ તકલીફ દૂર થઈ શકે છે. ટ્રાફિકની સમસ્યા દાદરના અંદરના એટલે કે સોસાયટીના વિસ્તારોમાં છે, પણ મહાનગરપાલિકાના નવા ટાઉન-પ્લાનિંગનો હજી અમલ નથી થયો. એ થશે ત્યારે ટ્રાફિકની સમસ્યામાં પણ ઘણો ફરક પડી જશે.

દાદર સાથે મારી કરીઅરની અનેક યાદગાર ઘટનાઓ જોડાયેલી છે. જોકે એ તમામ ઘટનાઓ કરતાં પણ દાદરની મારી યાદગાર ઘટના જો કોઈ હોય તો એ જ્યારે હરિપ્રસાદ ચૌરસિયા, શિવકુમાર શર્મા અને બિરજુ મહારાજ જેવા દિગ્ગજો સામેથી મારા ઘરે આવ્યા હતા. બન્યું એવું હતું કે ઘરની સામે આવેલા શિવાજી પાર્કમાં તેમની કૉન્સર્ટ હતી. આ કૉન્સર્ટ પૂરી થઈ એટલે બધા બહાર નીકળતા હતા. એવામાં કોઈ પાસેથી તેમને ખબર પડી કે મારું ઘર શિવાજી પાર્કની બિલકુલ સામે છે. જેવી ખબર પડી કે તરત જ તેમણે સામેથી કહ્યું કે સામે જ ઘર છે તો ચાલો જઈએ. થોડી વાર પછી ઘરની ડોરબેલ વાગી. અમે દરવાજો ખોલ્યો અને સામે આ બધા મહાનુભાવો. હું ગદ્ગદ થઈ ગયો હતો. તમે જેમને આરાધ્યદેવ માનતા હો તેમના ઘરે તમારે જવાનું હોય અને આ મહાનુભાવો તો એ પ્રકારના મહાનુભાવો છે કે જો તેમનો મૂડ ન હોય તો તેઓ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનને પણ મળવાની ના પાડી દે. એ મહાનુભાવો કોઈ જાતની જાણકારી વિના મારા ઘરે આવીને ઊભા રહ્યા એ મારા અહોભાગ્ય જ કહેવાય. મેં તેમને નિરાંતે બેસવાનો બહુ આગ્રહ કર્યો, પણ તેમની ફ્લાઇટનો ટાઇમ થઈ ગયો હતો એટલે તેઓ દસ મિનિટમાં નીકળી ગયા. મને લાગે છે કે આ એટલા માટે શક્ય બન્યું કે હું દાદરમાં શિવાજી પાર્કની પાસે રહું છું. જો દાદરમાં રહેતો ન હોત અને અંધેરી કે બાંદરામાં રહેતો હોત તો આ લોકોની ઇચ્છા હોત તો પણ તેઓ આવી શક્યા ન હોત. સચિન તેન્ડુલકર પણ મારા ઘરે આમ જ સાવ અનાયાસ આવી ગયો છે અને બાળાસાહેબ ઠાકરે પણ શિવાજી પાર્ક પર જતાં પહેલાં મારે ત્યાં પાંચ મિનિટ માટે આવી ગયા છે. જે ઘરમાં આવા ધુરંધરોનાં પગલાં થયાં હોય એ ઘર વેચવાનો વિચાર ક્યાંથી આવે.

એટલું નક્કી છે કે હું મારી હયાતીમાં તો મોહન નિવાસ કે દાદરમાંથી ક્યારેય શિફ્ટ નહીં થઉં.