જૈશ-ઉલ-હિન્દે ખરેખર માગ્યા છે બિટકોઇન?

01 March, 2021 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૈશ-ઉલ-હિન્દે ખરેખર માગ્યા છે બિટકોઇન?

ફાઈલ તસવીર

દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન પામતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના કાર્માઇકલ રોડ પર આવેલા ઘર ઍન્ટિલિયા પાસે સ્કૉર્પિયોમાં જિલેટિન મૂકીને દહેશત ફેલાવવાની જવાબદારી જૈશ-ઉલ-હિન્દ નામના સંગઠને સ્વીકારી છે. ટેલિગ્રામ પર ઇંગ્લિશમાં મૂકેલા સંદેશામાં તેમણે કહ્યું છે કે ‘એ ભાઈ જેણે સ્કૉર્પિયો ત્યાં પાર્ક કરી હતી તે ઘરે પહોંચી ગયો છે. આ તો માત્ર ટ્રેલર હતું, પિક્ચર તો હજી બાકી છે. નીતાભાભી, મુકેશભાઈ અને ફૅમિલી, જો તમે અમારી માગણી પૂરી નહીં કરો તો નેક્સ્ટ ટાઇમ એસયુવી તમારા દીકરાની કાર સાથે અથડાવવામાં આવશે. તમને ખબર છે શું કરવું. ફક્ત અમાઉન્ટ ટ્રાન્સફર કરો જેનું ઍડ્રેસ તમને આ પહેલાં જ જણાવ્યું છે અને એ પછી તમે તમારા દીકરા અને પરિવાર સાથે આનંદથી રહો.’

એવું બહાર આવ્યું છે કે જૈશ-ઉલ-હિન્દે ખંડણીની એ રકમ બિટકૉઇનના સ્વરૂપમાં માગી છે. એટલું જ નહીં, તપાસકર્તા એજન્સીઓને પડકાર આપતાં કહ્યું છે કે જો તમે અમને રોકી શકતા હો તો રોકીને દેખાડો. હવે આ રીતે ખંડણી માગવાનો ઉદ્દેશ સમજાઈ નથી રહ્યો. આ જ જૈશ-ઉલ-હિન્દે ગયા મહિને દિલ્હીમાં ઇઝરાયલ કૉન્સ્યુલેટની બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. જોકે એવું ચર્ચાઈ રહ્યું છે કે જો આતંકવાદી સંગઠન હોય તો એને ફન્ડિંગ મ‍ળતું જ હોય છે અને જો ખરેખર નાણાંની જરૂર હોય તો તેણે આ રીતે ગાઈ-વગાડીને ખંડણી માગવાની જરૂર શું?

એનઆઇએ, મુંબઈ પોલીસ અને હવે જૈશ-ઉલ-હિન્દે જવાબદારી સ્વીકારતાં એટીએસ પણ કેસની સમાંતર તપાસ કરી રહ્યાં છે.

આ ઘટના ગામદેવી પોલીસ-સ્ટેશનની હદમાં બની હોવાથી આ બાબતે ડીસીપી ઝોન-૨ રાજીવ જૈનનો સંપર્ક કરીને વધુ સ્પષ્ટતા મેળવવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો, પણ તેઓ નહોતા મળી શક્યા.

mumbai mumbai news mukesh ambani