10 October, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુણેના કોંઢવા સહિત અનેક જગ્યાએ ATS દ્વારા સર્ચ-ઑપરેશન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ પુણેમાં બુધવાર મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યાથી ૨૫ જગ્યાએ સર્ચ-ઑપરેશન કરીને કેટલાક લોકોને તાબામાં લીધા હતા. પુણેના કોંઢવા વિસ્તારમાં ખડક, ખડકી, વનવાડી, ભોસરી સહિત એકસાથે ૧૮ જગ્યાએ મહારાષ્ટ્ર ATSએ મોટા પાયે સર્ચ-ઑપરેશન કર્યું હતું. ATS સાથે અન્ય તપાસ એજન્સીઓ મહારાષ્ટ્ર પોલીસ, પુણે પોલીસ અને કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓએ મળીને આ સંયુક્ત ઑપરેશન કર્યું હતું. ATS દ્વારા આ સંદર્ભે જાહેર કરાયેલી પ્રેસ-રિલીઝમાં જણાવાયું હતું કે ૨૦૨૩માં તેમણે કરેલી કાર્યવાહીની તપાસમાં કેટલીક નવી વિગતો મળી આવતાં ૧૯ લોકોનાં ઘર અને ઑફિસમાં આ તપાસ ચાલુ કરવામાં આવી હતી. ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા મોબાઇલ ફોન, ૧૮થી ૨૦ લૅપટૉપ અને સિમકાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ૮૦૦ જેટલા પોલીસો આ કાર્યવાહી વખતે બંદોબસ્તની ફરજ બજાવી રહ્યા હતા.
૨૦૨૩ના કેસ સાથે સંબંધ?
ATS દ્વારા ૨૦૨૩માં પુણેના કોંઢવામાં કાર્યવાહી કરીને ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISISI)નું સમર્થન કરતા આતંકવાદીઓને ઝડપ્યા હતા. ત્યારે તેમણે મુંબઈ, પુણે અને ગુજરાતનાં મુખ્ય શહેરોમાં બૉમ્બબ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. કોલ્હાપુર અને સાતારા જિલ્લાના જંગલમાં તેમણે બૉમ્બબ્લાસ્ટ કરીને એની ચકાસણી પણ કરી હતી. પુણેના કોંઢવામાં તેમણે એ માટે ટ્રેઇનિંગ લીધી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. એ કાર્યવાહીના અનુસંધાનમાં વધુ માહિતી મળ્યા બાદ ગઈ કાલનું સર્ચ-ઑપરેશન હાથ ધરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.
આઇ લવ મોહમ્મદ પ્રદર્શનની પણ સંભાવના હતી
અત્યારે દેશભરમાં ફેલાઈ રહેલા ‘આઇ લવ મોહમ્મદ’ અભિયાનના ઍન્ગલથી પણ તપાસ થઈ રહી હોવાનું જણાવાયું હતું. દેશનાં કેટલાંક અન્ય રાજ્યોમાં આઇ લવ મોહમ્મદનું આંદોલન હિંસક પણ બન્યું હતું. એવું જ હિંસક આંદોલન પુણેમાં તહેવારોના દિવસોમાં કરવાનો પ્લાન હતો અને એ માટે સોશ્યલ મીડિયામાં મેસેજિસ પણ ફરી રહ્યા હતા એવી માહિતી ATSને મળી હતી અને એટલે જ ATSએ કડક પગલાં લીધાં હતાં.