30 January, 2025 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા ભાઈંદર વસઈ વિરાર સ્વતંત્ર પોલીસ કમિશનરેટ બનાવ્યા બાદ હવે અહીં ખંડણી વિરોધી સેલ બનાવવામાં આવ્યો છે. ૨૦૦૨ની ૧ ઑક્ટોબરે સ્વતંત્ર મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટ અસ્તિત્વમાં આવ્યું હતું, પરંતુ અહીં મુંબઈ અને થાણે પોલીસની જેમ ખંડણી વિરોધી સેલ અપૂરતા સ્ટાફને લીધે શરૂ કરવામાં નહોતો આવ્યો. હવે રાજ્યના ગૃહ વિભાગે અહીં પૂરતા પોલીસ-અધિકારી અને કર્મચારીઓની નિયુક્તિ કરી છે તેમ જ ગુપ્ત માહિતી મુજબ મીરા રોડથી વિરાર સુધીના ભાગમાં ખંડણી માગવાના મામલામાં વધારો થયો છે એને ધ્યાનમાં રાખીને કમિશનર મધુકર પાંડેએ ખંડણી વિરોધી સેલની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એક પોલીસ-ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને ૧૨ પોલીસ-કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે. કાશીમીરામાં ટ્રાફિક-પોલીસની બાજુમાં ખંડણી વિરોધી સેલની ઑફિસ તૈયાર કરવામાં આવી છે જે એકાદ અઠવાડિયામાં કાર્યરત થઈ જવાની શક્યતા છે. આ સેલ શરૂ થઈ ગયા બાદ મીરા રોડથી લઈને વિરાર સુધી ખંડણી માગવા કે વસૂલવા માટેના મામલાની નોંધ સ્થાનિક પોલીસ-સ્ટેશનને બદલે ખંડણી વિરોધી સેલમાં નોંધવામાં આવશે.