સલામ કરો આ સાહસવીરને

07 August, 2012 05:18 AM IST  | 

સલામ કરો આ સાહસવીરને

શિરીષ વક્તાણિયા

વરલી, તા. ૭

રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠની આત્મહત્યાના એક અઠવાડિયા પછી ગઈ કાલે ૨૫ વર્ષના એક યુવકે બાંદરા-વરલી સી-લિન્ક પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. જોકે આ સી-લિન્ક પર સિક્યૉરિટી ગાર્ડનું કામ કરતા ૨૨ વર્ષના કમલ અલી અબુસમાએ જીવના જોખમે પોતે પણ સી-લિન્ક પરથી કૂદકો મારીને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવકનું વજન વધુ હોવાથી કમલ તેને નહોતો બચાવી શક્યો. ઘાયલ કમલને પોદાર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. યુવકની ડેડબૉડી પણ પોદાર હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

વરલી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર નીતિન ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આત્મહત્યા કરનાર યુવકની ઓળખાણ નથી થઈ શકી. આ યુવકે જીન્સ અને કાળા રંગનું શર્ટ તથા બન્ને કાનમાં રિંગ પણ પહેરી છે. હાલમાં અમે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને તેના પરિવારજનોની તપાસ કરી રહ્યા છીએ.’

કમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે સાડાત્રણ વાગ્યે હું સી-લિન્ક પર ચોકી કરી રહ્યો હતો ત્યારે એક યુવક ચાલતો સી-લિન્કના ગેટમાંથી પસાર થયો હતો. મેં તેને ગેટની અંદર જ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે મને જોઈને સી-લિન્ક પર ભાગવાનું શરૂ કર્યું હતું. તે લગભગ એકાદ કિલોમીટર સુધી દોડ્યો હતો. દરમ્યાન મેં અને બીજા એક સિક્યૉરિટી ગાર્ડે તેનો પીછો કર્યો હતો. એક કિલોમીટર દોડ્યા બાદ થાકી જતાં યુવક સી-લિન્ક પર ઊભો રહી ગયો હતો. અમે તેને પકડવા જઈએ એ પહેલાં તો તેણે લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએથી પાણીમાં કૂદકો માર્યો હતો. સ્વિમિંગ આવડતું હોવાથી મેં પણ તેને બચાવવા તેની પાછળ પાણીમાં કૂદકો માર્યો હતો. તે વજનમાં ભારે હતો એટલે પાણીમાં ડૂબી ગયો હતો. યુવક પાણીમાં ન દેખાતાં હું તરીને કિનારે આવી ગયો હતો. જો મારી સાથેના ગાર્ડે પણ પાણીમાં કૂદકો માર્યો હોત તો અમે બન્ને મળીને તેને બચાવી શક્યા હોત.’

કમલ મૂળ આસામનો રહેવાસી છે. તે ૪ વર્ષ પહેલાં મુંબઈમાં નોકરીની શોધમાં આવ્યો હતો. ૨૦૦૮માં સિક્યૉરિટી ગાર્ડની નોકરી મળ્યાં બાદ અત્યારે તે વરલીની એક ચાલીમાં રહે છે. આસામમાં રહેતા કમલના પિતાને ઘટનાની માહિતી મળતાં તેમણે કમલને ફોન કર્યો હતો. ફોન  પર વાત કરતી વખતે તેઓ રડી પડ્યા હતા.