વધુ એક સાધ્વીજી હાઇવે પર વૅને ટક્કર મારતાં કાળધર્મ પામ્યાં

11 May, 2022 08:25 AM IST  |  Mumbai | Rohit Parikh, Mehul Jethva

જેતપુર બસ-સ્ટૅન્ડ નજીક સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ થયેલા આ ગોઝારા અકસ્માતમાં તેમની સાથે રહેલી ૨૦ વર્ષની વિહારસેવિકા દિયા દોશી પણ મૃત્યુ પામી

સાધ્વી વિશુદ્ધિમાલાશ્રીજીની ગઈ કાલે નીકળેલી પાલખીયાત્રા અને વિહારસેવિકા દિયા દોશી સાથે.


મુંબઈ : ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ઇડર-વડાલી હાઇવે પર જેતપુર બસ-સ્ટૅન્ડ નજીક પૂરઝડપે આવી રહેલી એક વૅને ટક્કર મારતાં આચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પૂજ્ય સાધ્વી શ્રી વિપુલમાલાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા પૂજ્ય સાધ્વી વિવેકમાલાશ્રીજીનાં શિષ્યા ૨૭ વર્ષનાં સાધ્વી વિશુદ્ધિમાલાશ્રીજી અને ૨૦ વર્ષની તેમની વિહારસેવિકા દિયા દોશી ઇડર-વડાલી હાઇવે પર જેતપુર બસ-સ્ટૅન્ડ નજીક સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ એક ગોઝારા અકસ્માતમાં કાળધર્મ પામ્યાં હતાં. ગુજરાતમાં વધી રહેલા સાધુ-સાધ્વીઓ અને તેમના સેવકોના અકસ્માત અને મોતથી જૈન સમાજ ખળભળી ઊઠ્યો છે. જૈન સમાજમાં એક જ સવાલ છે કે આ ક્યાં જઈને અને ક્યારે અટકશે? 
ગઈ કાલે સવારે સાધ્વી વિશુદ્ધિમાલાશ્રીજીની પાલખીયાત્રા અને દિયા દોશીની અંતિમયાત્રા એક જ સમયે વડાલી અને ઈડરમાં નીકળી હતી. ત્યારે સેંકડો લોકોની આંખો અશ્રુથી ભરાઈ ગઈ હતી. પાલખીયાત્રા અને અંતિમયાત્રામાં હાજર રહેલા જૈન સમાજના અગ્રણીઓ અને લોકોમાં એક જ વાત હતી કે બેફામ ડ્રાઇવિંગ કરીને જૈનશાસનનાં નિર્દોષ સાધુ-સાધ્વીભગવંતોને મોતને ઘાટ ઉતરનારને ઈશ્વર સદ્બુદ્ધિ આપે.પૂજ્ય સાધ્વીજી ભગવંત વિશુદ્ધિમાલાશ્રીજી શ્રી લબ્ધિ-વિક્રમ શાસનસેવા ટ્રસ્ટ તથા શ્રી વિક્રમકૃપા કેન્દ્રના ટ્રસ્ટીવર્ય અને પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી ચાલતા જિનશાસનનાં સાતેય ક્ષેત્રોનાં અનેકાનેક કાર્યોના પાયાના શિખર સુધીનાં તમામ કાર્યોની આધારશિલા સમાન સુરતના શ્રેષ્ઠીવર્ય બિપિનભાઈનાં સંસારી દીકરી હતાં.
મૂળ વડાલીની વતની અને ઈડરની રહેવાસી દિયા દોશીના દીક્ષા લેવાના ભાવ હતા એમ જણાવીને દિયાના કાકા ચિંતન દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિયા ઘણા સમયથી સાધ્વી વિશુદ્ધિમાલાના સંપર્કમાં હતી. બંને હંમેશાં સાથે જ રહેતાં હતાં. દિયાની દીક્ષા લેવાની પૂરેપૂરી ભાવના હતી. દિયાના પપ્પાનાં આંસુ રોકાતાં નથી. અમારો પરિવાર અત્યારે અત્યંત ગમગીન અવસ્થામાં હોવાથી હું અત્યારે બહુ લાંબી વાત કરવા અસમર્થ છું.’  
સાધ્વી વિશુદ્ધિમાલાશ્રીજી અને તેમની વિહારસેવિકા દિયા દોશીના રોડ-અકસ્માતની માહિતી આપતાં ઈડર શહેરની ઘનશ્યામ સોસાયટીમાં ધાર્મિક સમારોહના આયોજક સુચિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાધ્વી વિશુદ્ધિમાલાશ્રીજી અને તેમની વિહારસેવિકા દિયા દોશી સોમવારે રાતના ઈડરની ઘનશ્યામ સોસાયટીમાં પાવાપુરી જૈન મંદિરથી ધાર્મિક સમારોહ માટે આવ્યાં હતાં. તેમની સાથે આ સમારોહમાં અન્ય સાત સાધુઓ અને તેમના શિષ્યો પણ હાજર રહ્યા હતા. સાંજે છ વાગ્યે કાર્યક્રમની સમાપ્તિ બાદ લગભગ છ વાગ્યાની આસપાસ આ સાધુ-સાધ્વીઓ તેમના શિષ્યો સાથે પાવાપુરી મંદિર તરફ જઈ રહ્યા હતા. હું મારી કારમાં હતો. સાધ્વી અને 
તેમની વિહારસેવિકા મારી કારની પાછળ ચાલતાં હતાં.’
સુચિત શાહે વધુમાં કહ્યું હતું કે ‘રાતના નવ વાગ્યાની આસપાસ પૂરઝડપે આવી રહેલી એક ઇકો વૅને સાધ્વી વિશુદ્ધિમાલાશ્રીજી અને દિયા દોશીને પાછળથી ટક્કર મારી હતી અને ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો. અમે તરત જ બંનેને ખાનગી કારમાં ઈડરની  લાઇફલાઇન હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. અમે આ અકસ્માત બાબતની ફરિયાદ વડાલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’ 
વડાલી પોલીસ-સ્ટેશનના એક 
પોલીસ-અધિકારીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સુચિત શાહની ફરિયાદ પરથી અજાણ્યા ડ્રાઇવર સામે ભારતીય દંડસહિતાની કલક ૩૦૪એ હેઠળ બેદરકારીને કારણે મૃત્યુ અને બેદરકારીથી ડ્રાઇવિંગ માટે કલમ ૨૭૯ હેઠળ ગુનો નોધ્યો છે.’

mumbai news