રેલવેની રામાયણ ચાલુ જ

26 November, 2014 05:48 AM IST  | 

રેલવેની રામાયણ ચાલુ જ




સેન્ટ્રલ રેલવેમાં એક પણ એવો દિવસ જતો નહીં હોય જ્યારે કોઈ બનાવ ન બને. ગઈ કાલે બદલાપુર રેલવે-સ્ટેશન નજીક સાઇડના ટ્રૅક પર ઊભેલી લોકલ ટ્રેનના ડબ્બામાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં બે ડબ્બા બળીને ખાખ થઈ ગયા હતા તો તુર્ભે સ્ટેશન પાસે ગઈ કાલે પ્રવાસીઓએ રેલરોકો આંદોલન કરતાં હાર્બર લાઇન ખોરવાઈ ગઈ હતી.

સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. સિંહે કહ્યું હતું કે ‘પુણે-લોનાવલા સેક્શન પર દોડતી ૧૨ ડબ્બાની ચ્પ્શ્માં ગઈ કાલે બપોરે લગભગ ૧.૧૦ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડે તરત આવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ અડધા કલાકે ૧.૪૦ વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક અંદાજ મુજબ શૉર્ટ-સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ ડબ્બો છેલ્લા એક મહિનાથી બદલાપુર પાસે સાઇડ ટ્રૅક પર ઊભો રાખવામાં આવ્યો હતો જેને રિપેરિંગ માટે મુંબઈના કારશેડમાં લાવવામાં આવ્યો હતો. આ બનાવને કારણે સેન્ટ્રલ લાઇનની ટ્રેનોને કોઈ અસર થઈ નહોતી.’

બદલાપુર સેક્શનમાં ટ્રેનમાં આગ લાગવા સિવાય ગઈ કાલે બીજો બનાવ હાર્બર લાઇનમાં બન્યો હતો જેમાં તુર્ભે સ્ટેશન પર બપોરના ૧૨.૨૫થી ૧૨.૪૫ વાગ્યા દરમ્યાન પ્રવાસીઓએ  રેલરોકો આંદોલન કરતાં ટ્રેનો અટકી પડી હતી. પોલીસના જણાવ્યા મુજબ સોમવારે તુર્ભે સ્ટેશન પાસે આવેલા રેલવે-ફાટક પાસે એક વ્યક્તિનું પાટા ક્રૉસ કરતા સમયે ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું એને કારણે ગઈ કાલે પ્રવાસીઓએ ફાટક પાસે ઈસ્ટ-વેસ્ટને જોડતો ફૂટઓવર બ્રિજ બનાવવાની માગણી સાથે પાટા પર ઊતરીને રેલરોકો આંદોલન કર્યું હતું. લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ચાલેલા તેમના આંદોલનને કારણે અગિયાર જેટલી લોકલ ટ્રેનની સર્વિસ કૅન્સલ થઈ હતી તો બપોર સુધી ટ્રેનો પંદરથી વીસ મિનિટ જેટલી મોડી દોડતી હોવાનું રેલવેએ જણાવ્યું હતું.