આઝાદ મેદાન પર થયેલા તોફાનનો આરોપીને જામીન

26 October, 2012 05:12 AM IST  | 

આઝાદ મેદાન પર થયેલા તોફાનનો આરોપીને જામીન

અમીન ચૌધરી, ઉમેર રહેમાન અન્સારી અને તોફાનોમાં માથા પર બુલેટ વાગ્યા બાદ જખમી થયેલા નઝર સિદ્દીકી બાદ અકબર રૌનક ખાન નામના ચોથા આરોપીનો ગઈ કાલે ૩૦ હજાર રૂપિયાના બૉન્ડ પર જામીન પર છુટકારો થયો હતો. તોફાનો દરમ્યાન અકબર રૌનકને માથા પર અને કમર પર ઈજાઓ પહોંચી હતી. કોર્ટમાં જામીન દરમ્યાન તેના વકીલે કરેલા દાવા મુજબ તોફાનોમાં જખમી થયેલા લોકોને મદદ કરવા રૅલીમાં જવું ગુનો નથી અને અકબર ફક્ત જખમીઓને મદદ કરવા ગયો હતો. આ દલીલને કોર્ટે માન્ય રાખી હતી અને તેને જામીન પર છોડી મૂક્યો હતો. મ્યાનમારમાં મુસ્લિમો સામે થતા હિંસાચારની વિરુદ્ધમાં અમુક મુસ્લિમ સંગઠનોએ ૧૧ ઑગસ્ટના રોજ આઝાદ મેદાન ખાતે વિરોધપ્રદર્શન કરતી એક

સભાનું આયોજન કર્યું હતું જેણે પછી તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એમાં બેનાં મૃત્યુ થયાં હતાં તથા ૪૪ પોલીસ સહિત કુલ બાવન લોકો જખ્મી થયા હતા.