દસમા અને બારમાના પ્રૅક્ટિકલ્સ અને વાઇવાને લઈને અસમંજસ

26 December, 2021 11:19 AM IST  |  Mumbai | Pallavi Smart

સ્કૂલો બંધ હોવાથી પૂરતા પ્રૅક્ટિકલ્સ ન થવાથી એક્ઝામ્સ કઈ રીતે અપાશે એની ચિંતા સ્ટુડન્ટ્સને સતાવી રહી છે

સાયનમાં આવેલી ડીએસ હાઇસ્કુલમાં બાળકો (તસવીર : અતુલ કાંબળે)

સ્ટેટ બોર્ડ દ્વારા દસમા અને બારમા ધોરણના પ્રૅક્ટિકલ્સ અને વાઇવા એક્ઝામ્સની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે, કારણ કે કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી પૂરતા પ્રૅક્ટિકલ્સ થયા નથી તો બાળકો એની એક્ઝામ્સ કઈ રીતે આપી શકશે એની ચિંતા તેમને સતાવી રહી છે. એટલું જ નહીં, તેમના દ્વારા તેમના શિક્ષકોને આ બાબતે અનેક સવાલો પુછાઈ રહ્યા છે કે એક્ઝામ કઈ રીતે લેવાશે? તેમને પ્રૅક્ટિકલ્સ કરવાનો બહુ ઓછો સમય મળ્યો છે. અધૂરામાં પૂરું, એ માટેની એસઓપી પણ જાહેર કરાઈ નથી. 
વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ પ્રૅક્ટિકલ્સ અને વાઇવા આપવાના છે. મુખ્ય બાબત એ છે કે દસમા અને બારમાના ક્લાસિસ ઑક્ટોબરથી શરૂ થઈ ગયા હતા. ઘણી સ્કૂલોએ દિવાળી સુધી રાહ જોઈ હતી. એ પછી તેમણે ક્લાસ શરૂ કર્યા હતા. જોકે એમ છતાં વિદ્યાર્થીઓ માટે ઑનલાઇનનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને ઘણા વિદ્યાર્થીઓએ ઑનલાઇન અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો. 
મલાડમાં રહેતાં એક વાલી સુષમા સાવંતે આ બાબતે કહ્યું હતું કે ‘હવે જ્યારે બોર્ડ દ્વારા એક્ઝામની તારીખો જાહેર થઈ ગઈ છે અને 
પ્રૅક્ટિકલ્સની પણ તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે પ્રૅક્ટિસ વગર કઈ રીતે એક્ઝામ આપીશું એની ચિંતા બાળકોને ઘેરી વળી છે.’ 
અન્ય એક વાલીએ કહ્યું હતું કે ‘ઘણી જુનયિર કૉલેજો દ્વારા ઑફલાઇન ક્લાસ લેવાયા જ નથી, કારણ કે એ ઉંમરના સ્ટુડન્ટ્સને વૅક્સિનના બે ડોઝ અપાયા જ નથી. એટલે તેમને ટ્રેનમાં ટ્રાવેલ કરવા પણ મળતું નથી. બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રૅક્ટિકલ્સ બહુ જ મહત્ત્વના હોય છે અને એ માટે પ્રૅક્ટિસ થઈ હોવી જોઈએ એ પણ એટલું મહત્ત્વનું છે.’

mumbai mumbai news pallavi smart