અણ્ણા હઝારે ફરી આંદોલનના મૂડમાં

19 October, 2014 04:58 AM IST  | 

અણ્ણા હઝારે ફરી આંદોલનના મૂડમાં




પૉલિટિકલ દંગલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચૂપ બેઠેલા પ્રખર ચળવળકાર અણ્ણા હઝારેએ ગઈ કાલે વિદેશી બૅન્કોમાં જમા ભારતીયોનું કાળું નાણું પાછું લાવવાના મુદ્દે આંદોલન કરવાનો સંકેત આપ્યો હતો. આ મુદ્દે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અણ્ણાએ પ્રશ્ન કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં તમે અને તમારી પાર્ટી BJPએ કેન્દ્રમાં સરકાર બનશે તો ૧૦૦ દિવસમાં આ નાણું સ્વદેશ પાછું લાવવામાં આવશે એવું વચન આપ્યું હતું એ ભૂલી ગયા છો કે કેમ?

કડક ભાષામાં લખેલા આ પત્રમાં અણ્ણાએ મોદીને જણાવ્યું હતું કે ‘વિદેશમાં છટાદાર ભાષણો આપવાથી દેશના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે, પરંતુ સરકારે આપેલાં વચનો પાળવાં પડશે. જાહેર હિત માટે સરકારે ટેક્નિકલ મુદ્દા આગળ ધરવાને બદલે નૈતિકતાને મહkવ આપવું જોઈએ.’

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન વિદેશી બૅન્કોમાં જમા ભારતીયોનું કાળું નાણું દેશમાં પાછું લાવવાની વાતો કરનારી કેન્દ્રની BJP સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એની પુરોગામી કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળની મનમોહન સરકારની જેમ જ ટેક્નિકલ કારણોસર આવા ખાતેદારોનાં નામ જાહેર કરવાનો ઇનકાર કરી દેતાં મોદી સરકાર પર ચારે બાજુથી પસ્તાળ પડી રહી છે.