અણ્ણા હઝારેની ખેડૂતો માટે વિરોધ શરૂ કરવાની ચીમકી

29 December, 2020 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અણ્ણા હઝારેની ખેડૂતો માટે વિરોધ શરૂ કરવાની ચીમકી

ફાઈલ તસવીર

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ જાન્યુઆરી, ૨૦૨૧ના અંત સુધીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના મુદ્દાઓના ઉકેલની પોતાની માગણીને પૂર્ણ નહીં કરે તો ભૂખ હડતાળ પર ઊતરવાની ચીમકી આપતાં આ તેમનો છેલ્લો વિરોધ હશે એમ જણાવ્યું હતું.

રાજ્યના અહમદનગર જિલ્લામાં પોતાના ગામ રાળેગાંવ સિદ્ધિમાં પત્રકારો સાથે બોલતાં તેમણે કહ્યું હતું કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ખેડૂતો માટે વિરોધ કરી રહ્યા છે પરંતુ સરકાર આ મુદ્દાનો ઉકેલ નથી લાવી રહી. સરકાર ખાલી વચન આપી રહી છે, જેથી મારો સરકાર પરનો વિશ્વાસ ઊઠી ગયો છે. જોઈએ હવે સરકાર મારી માગણી પર શું પગલાં લે છે. સરકારે મારી પાસે એક મહિનાનો સમય માગ્યો છે અને આથી જ મેં તેમને જાન્યુઆરીના અંત સુધીનો સમય આપ્યો છે.

જો મારી માગણીઓ પૂરી નહીં કરાય તો હું ફરીથી મારી ભૂખ હડતાળ શરૂ કરીશ અને આ મારો છેલ્લો વિરોધ હશે એમ ૮૩ વર્ષના અણ્ણા હઝારેએ જણાવ્યું હતું. ૧૪ ડિસેમ્બરે અણ્ણા હઝારેએ કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમારને મળીને એમ. એસ. સ્વામીનાથન કમિટીની ભલામણે અમલમાં મૂકવાના અને કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ અૅન્ડ પ્રાઇઝીસ (સીએસપી) ને સ્વાયતત્તા આપવાની પોતાની માગણીઓ પૂર્ણ નહીં કરાય તો ભૂખ હડતાળની ધમકી આપી હતી.

બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્યની એસેમ્બલીના ભૂતપૂર્વ સ્પીકર હરિભાઉ બાગાડેએ તાજેતરમાં અણ્ણા હઝારેને મળીને તેમને કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિશે વિગતવાર સમજ આપી હતી. કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવાની માગણી સાથે ૮ ડિસેમ્બરે ખેડૂત સંઘઠનો દ્વારા એલાન કરાયેલા ભારત બંધના ટેકામાં અણ્ણા હઝારેએ એક દિવસનો ઉપવાસ કર્યો હતો.  સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા કૃષિ ક્ષેત્રે મોટા સુધારા તરીકે રજૂ કરાયા છે જે મધ્યસ્થીઓને દૂર કરશે અને ખેડૂતોને દેશમાં કોઈ પણ સ્થળે પોતાના ઉત્પાદનને વેચવાની મંજૂરી આપશે.

maharashtra pune anna hazare