અણ્ણાને ૧૦૨ ડિગ્રી તાવ

28 December, 2011 03:24 AM IST  | 

અણ્ણાને ૧૦૨ ડિગ્રી તાવ



બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર સક્ષમ લોકપાલની માગણીના સમર્થનમાં  ઉપવાસ પર બેઠેલા અણ્ણા હઝારેને ૧૦૨ ડિગ્રી તાવ હોવાથી ટીમ અણ્ણાના સાથીદારો અરવિંદ કેજરીવાલ તથા કિરણ બેદીએ તેમને ઉપવાસ તોડવાની સલાહ આપી હતી, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પણ અણ્ણાને ઉપવાસ તોડવાની સલાહ આપી હતી; પરંતુ અણ્ણા ઉપવાસ છોડવા તૈયાર નથી.

દરમ્યાન, અણ્ણાને છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ હતો, પરંતુ તેમના શરીરનું તાપમાન નિયંત્રણમાં હતું. કફને કારણે તેમને છાતીમાં પણ ઇન્ફેક્શનની સમસ્યા છે. તાવને કારણે તેઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી કશું ખાઈ પણ  નથી શક્યા. અત્યારે તેમની હાલત ખરાબ થતી જાય છે. તેઓ ચાલી શકે એવી હાલતમાં પણ નથી એવું ડૉક્ટરોએ કહ્યું છે.

અણ્ણા હઝારેની તબિયત ખરાબ હોવાનું ધ્યાનમાં રાખીને તેમના ગામ રાળેગણ સિદ્ધિના લોકો આજે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આવવાના છે. આજે ઉપવાસનો બીજો દિવસ છે. અણ્ણાની ટીમના મેમ્બર દત્તા અવારીએ કહ્યું હતું કે ‘સાતથી આઠ વેહિકલ પર લોકો રાળેગણ સિદ્ધિથી નીકળ્યા છે અને એમાં ગામના સરપંચનો પણ સમાવેશ છે. તેઓ આજે મુંબઈ પહોંચશે. ગઈ કાલે ગામમાં બંધ પાળવામાં આવ્યો હતું. વિદ્યાર્થીઓએ એક દિવસનો ઉપવાસ કયોર્ હતો અને કૅન્ડલ-માર્ચ પણ કાઢવામાં આવી હતી.’

કિરણ બેદી નવી દિલ્હી જવા રવાના

કિરણ બેદી ગઈ કાલે મુંબઈ હતાં, પણ સાંજે તેમણે દિલ્હી જવાનો નર્ણિય લીધો હતો. તેઓ દિલ્હીના અનશનમાં ભાગ લઈને સ્ટ્રૉન્ગ લોકપાલ બિલ માટેની લડત ત્યાંથી લડશે. કિરણ બેદીએ કહ્યું હતું કે ‘મુંબઈમાં મેં મારા ભાગનું કામ કરી લીધું છે અને હવે મારે દિલ્હીમાં રામલીલા મેદાનમાં આંદોલનમાં ભાગ લેવાનો છે. અરવિંદ કેજરીવાલ અને ટીમ અણ્ણાના મેમ્બરો મુંબઈ અણ્ણા હઝારે સાથે રહેશે, જ્યારે હું શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણને સાથ આપીશ.’

ઉપવાસ છોડો અણ્ણા : ચવાણ

૭૪ વર્ષના અણ્ણા હઝારેની તબિયત ખરાબ હોવાથી તેમને ઉપવાસ છોડી દેવાની અપીલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે કરી હતી. પૃથ્વીરાજ ચવાણે અણ્ણા હઝારે સાથે ફોન પર વાત કરી હતી. તાવ હોવા છતાં અણ્ણા હઝારે ગઈ કાલથી ત્રણ દિવસ માટે ઉપવાસ પર બેઠા હતા. તેમને છાતીમાં ઇન્ફેક્શન થયું છે અને વીકનેસ આવી ગઈ છે.