બાળ ઠાકરેના મામલે બન્ને શિવસેનાના નેતાઓ વચ્ચે જબરદસ્ત ગરમાગરમી

05 October, 2025 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામદાસ કદમના દશેરાના ભાષણથી શરૂ થયેલા આ જંગમાં અનિલ પરબે ઝંપલાવ્યું, પોતે રામદાસ કદમ સામે માનહાનિનો દાવો કરશે અને જે રકમ મળશે એ ખેડૂતોને આપશે એવું પણ કહ્યું

રામદાસ કદમ, અનિલ પરબ

ગોરેગામના નેસ્કો સેન્ટરમાં આયોજિત કરાયેલા શિવસેનાના દશેરા મેળાવડામાં મંચ પરથી લોકોને સંબોધતાં શિવસેનાના નેતા રામદાસ કદમે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબનું મૃત્યુ થયા પછી બે દિવસ સુધી તેમનો મૃતદેહ માતોશ્રીમાં જ રાખી મુકાયો હતો અને તેમના મૃત્યુ પછી પણ તેમના હાથની (અંગૂઠાની) છાપ લેવામાં આવી હતી. તેમના આ આક્ષેપ બાદ હવે શિવસેના (UBT)ના અનિલ પરબે રામદાસ કદમ સામે વધુ તીવ્ર આક્ષેપો કર્યા હતા. અનિલ પરબે કહ્યું હતું કે ‘રામદાસ કદમની અક્કલ તેમના ઘૂંટણમાં છે, કારણ કે મૃત વ્યક્તિના હાથની છાપ તેના મૃત્યુ પછી લેવાથી કોઈ ફાયદો થતો નથી અને એ રામદાસ કદમને સમજાતું નથી. રામદાસ કદમે કરેલા આરોપો ૧૦૦ ટકા ખોટા છે.’

રામદાસ કદમે કરેલા આરોપોનો જવાબ આપતા અનિલ પરબે કહ્યું હતું કે ‘બાળાસાહેબનું નિધન થયાનાં ૧૪-૧૫ વર્ષ પછી રામદાસ કદમને હવે કંઠ ફૂટ્યો છે. બાળાસાહેબ ઠાકરેનું ૨૦૧૨માં મૃત્યુ થયું હતું. એ પછી ૨૦૧૪માં તમને (રામદાસ કદમને) મંત્રી પણ બનાવવામાં આવ્યા. જો ઉદ્ધવ ઠાકરે એટલા ખરાબ જ હતા તો તમે મંત્રીપદ સ્વીકાર્યું જ કેમ? ૨૦૧૪થી ૨૦૧૯ તમે મંત્રી હતા. એ પછી તમે તમારા દીકરા માટે વિધાનસભ્ય પદ માગ્યું, જ્યાં સુધી બધું મળતું હતું ત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે સારા હતા.’

બાળાસાહેબના મૃત્યુ વિશે કરેલા આરોપોનો જવાબ આપતાં અનિલ પરબે કહ્યું હતું કે ‘બાળાસાહેબના છેલ્લા દિવસોમાં તેમની સાથે તેમના રૂમમાં ડૉક્ટરોની ટીમ સતત રહેતી હતી. કોઈ એક ડૉક્ટર નહોતો; તેમની ટીમ હતી. દરેક મિનિટે તેમનું મૉનિટરિંગ કરાતું હતું. અનેક લોકો તેમને મળવા આવી રહ્યા હતા અને બધાને જ ખબર હતી કે બાળાસાહેબ જીવતા છે. બાળાસાહેબની તબિયત બહુ જ ખરાબ હતી, પણ એનું હવે રાજકારણ કરવું અને મહારાષ્ટ્રમાં હાલ જે પ્રશ્ન ઊભા થયા છે એના પરથી લોકોનું ધ્યાન બીજે ડાઇવર્ટ કરવું એ માટેનું આ કાવતરું છે. રામદાસ કદમ સામે હું પોતે બદનક્ષીનો દાવો કરવાનો છું. આ દાવામાંથી જે રકમ આવશે એ દુકાળગ્રસ્ત ખેડૂતોને આપવી એવો મેં નિર્ણય લીધો છે.’

રામદાસ કદમે એવું પણ કહ્યું હતું કે બાળાસાહેબ માટે તે બહુ જવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ બોલ્યા હતા અને જો જરૂર જણાય તો એ માટે તેમની નાર્કો-ટેસ્ટ કરવામાં આવે તો પણ તેમને કોઈ વાંધો નથી.

રામદાસ કદમની નાર્કો-ટેસ્ટ થવી જરૂરી છે એમ જણાવતાં અનિલ પરબે કહ્યું હતું કે ‘૧૯૯૩માં રામદાસ કદમની પત્નીએ પોતે બળી મરવાનો પ્રયાસ કર્યો કે તેમને બાળી નાખવાનો પ્રયાસ થયો કે શું થયું એ પણ નાર્કો-ટેસ્ટમાં આવવું જોઈએ.’

અનિલ પરબે કરેલા આ આક્ષેપો બાદ ફરી રામ કદમે તેમની પત્ની સાથે બનેલી એ ઘટના બાબતે ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘એ વખતે મારી પત્ની રસોઈ બનાવી રહી હતી ત્યારે તેની સાડીનો છેડો સ્ટવને લાગતાં તે સળગવા માંડી હતી. તેને સળગતી જોઈને હું દોડ્યો હતો અને મેં જ એ આગ ઓલવી હતી. એમ કરતી વખતે મારા હાથ પણ એ આગમાં દાઝ્યા હતા. એ એક ઍક્સિડન્ટ હતો અને એ ઘટનાનાં આટલાં વર્ષો પછી પણ અમારો સંસાર સુખરૂપ છે.’ 

shiv sena dussehra bal thackeray ramdas kadam political news indian politics mumbai mumbai news goregaon