04 November, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે આ કાવતરાના અમેરિકામાં બેઠેલા કથિત માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતની ભાભી સુનેહા પંડિતની ધરપકડ કરી હતી. આ સાથે જ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા ૧૩ થઈ છે. સુનેહા પંડિતને મંગળવારે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA)ની સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં તેને ૧૬ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી ફટકારવામાં આવી હતી. તેના બૅન્ક-અકાઉન્ટથી પૈસાની લેવડદેવડ થઈ હોવાના આરોપસર પોલીસે સુનેહાની ધરપકડ કરી હતી. જોકે સુનેહાને પકડવા માટે પોલીસે ઑપરેશન હાથ ધર્યું ત્યારે અનિલ પંડિતનો ભાઈ અભિષેક નાસી છૂટ્યો હતો. સુનેહાના મોબાઇલ-નંબરથી જોડાયેલા બૅન્ક-અકાઉન્ટનો ઉપયોગ કરીને અભિષેક પંડિતે આ કેસના સહઆરોપીઓને પૈસા પહોંચાડ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચે કોર્ટને જણાવ્યું હતું.