નવાબ મલિક અને અનિલ દેશમુખે હવે વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવા એક દિવસની જેલમુક્તિની અરજી કરી

14 June, 2022 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે ૧૦ જૂને તેમને કોઈ તત્કાળ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો

ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે જેલવાસ ભોગવી રહેલા રાજ્યના પ્રધાન નવાબ મલિકને એમએલસીની ચૂંટણીમાં મતદાન કરવા માટે મુક્ત થવાની માગણી કરતી નવી યાચિકા દાખલ કરવાનો હુકમ કર્યો હતો.
દસમી જૂને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે એનસીપીના નેતાએ તેમના વકીલો તારક સૈયદ અને કુશાલ મોર મારફત અગાઉ દાખલ કરેલી અગાઉની યાચિકામાં ફેરફાર કરવાની માગણી કરી હતી. હાઈ કોર્ટે ૧૦ જૂને તેમને કોઈ તત્કાળ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

તારક સૈયદે સોમવારે જસ્ટિસ પી. ડી. નાઈકની સિંગલ બેન્ચને જણાવ્યું હતું કે તેઓ પિટિશનને બદલીને ૧૦ જૂનને બદલે ૨૦ જૂન કરવા ઇચ્છે છે.

તારક સૈયદે કહ્યું કે ‘૨૦ જૂને વધુ એક ચૂંટણી યોજાઈ રહી છે. યાચિકામાં ફક્ત તારીખ બદલવાની છે. બાકીની તમામ બાબતો સમાન છે.’ જોકે જસ્ટિસ નાઈકે નોંધ્યું હતું કે હેતુ બદલાઈ જતો હોવાથી આવો સુધારો થઈ શકે નહીં.

બીજી તરફ જેલવાસ ભોગવી રહેલા રાજ્યના અન્ય ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખે રાજ્યની લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન કરવા માટે ૨૦ જૂને એક દિવસ માટે જેલમાંથી મુક્ત થવાની માગણી બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ સોમવારે કરી હતી. અદાલતે આ મામલાની આગામી સુનાવણી ૧૫ જૂને હાથ ધરવાનું નક્કી કર્યું છે.

mumbai mumbai news nawab malik anil deshmukh