100 crore recovery case: ચોથી વાર પણ ઈડી સમક્ષ હાજર ન થયા અનિલ દેશમુખ

02 August, 2021 05:15 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

100 કરોડ વસુલી કેસ મામલે ઈડી દ્વારા અનિલ દેશમુખને ચોથી વખત સન પાઠવવામાં આવ્યું હોવા છતાં તેઓ આજે ઈડી સમક્ષ રહ્યાં નહોતા.

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)સમક્ષ ચોથી વાર પૂછપરછ માટે બોલાવ્યા બાદ પણ હાજર થયા ન હતા. તેમના સ્થાને તેમના વકીલ ઇન્દ્રપાલ સિંહ ઇડી ઓફિસ પહોંચ્યા અને 75 વર્ષીય દેશમુખ સમક્ષ હાજર થવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.

દેશમુખની સાથે તેમના પુત્ર ઋષિકેશ દેશમુખને પણ સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પણ હજુ સુધી ED ઓફિસ પહોંચ્યા નથી. આ પહેલા પણ દેશમુખને ઈડી દ્વારા ત્રણ વખત સમન્સ પાઠવ્યું હોવા છતાં પણ કોરોના મહામારી અને વધતી ઉંમરને ટાંકીને ઈડી સમક્ષ હાજર રહ્યાં નહોતા. 

વકીલ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં દેશમુખે જણાવ્યું હતું કે તેમની અરજીની સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થવાની છે. પત્રમાં દેશમુખે લખ્યું છે કે 30 જુલાઈએ સુપ્રીમ કોર્ટે 3 ઓગસ્ટની તારીખ આપતાં જ ED એ સોમવાર માટે સમન્સ જારી કર્યું હતું. આ પહેલા પણ તેની પત્ની અને પુત્રને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ તેઓ સુનાવણી માટે એક વખત પણ હાજર થયા નથી.

અનિલ દેશમુખે EDને લખેલા પત્રમાં તપાસ એજન્સી પર કાર્યવાહી દરમિયાન તેની સત્તા અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે આજ સુધી મને ED તરફથી કોઈ દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ સમન્સ માત્ર મીડિયામાં સનસનાટી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમનથી મારો ડર મજબૂત થયો છે કે ઇડીની તપાસ વાજબી રીતે થઇ રહી નથી.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર અને હાલમાં હોમગાર્ડ ડીજી પરમબીર સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અનિલ દેશમુખને મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ કેસમાં સીબીઆઈએ પહેલા દેશમુખ સામે કેસ નોંધ્યો હતો અને પછી તેમાં મની ટ્રેલ વિશે માહિતી મળ્યા બાદ ઈડીની એન્ટ્રી થઈ હતી. ED એ તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. CBI એ દેશમુખના પરિસરમાં પણ બે વખત દરોડા પાડ્યા છે.

mumbai mumbai news