એપીએમસીની એમ ગલીમાં પાણી ભરાતાં વેપારીઓમાં રોષ

11 October, 2020 12:19 PM IST  |  Mumbai | Mumbai correspondent

એપીએમસીની એમ ગલીમાં પાણી ભરાતાં વેપારીઓમાં રોષ

એપીએમસીની ‘એમ’ ગલીમાં અને પાછળના ભાગમાં ભરાયેલું પાણી.

નવી મુંબઈની એપીએમસી માર્કેટની ‘એમ’ ગલીમાં ગઈ કાલે જોરદાર વરસાદના કારણે ગલી અને ગલીની પાછળના ભાગમાં પાણી ભરાઈ જતાં અનાજના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એપીએમસીએ ડ્રેનેજ અને સિવરેજ સિસ્ટમને રિપેર કરવા લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ પાણીના ભરાવાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા હોવાથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
‘એમ’ ગલીના દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે પડેલા જોરદાર વરસાદમાં અમારી ગલીમાં અને આસપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં. અત્યારના કોવિડ કાળમાં અનાજની દુકાનોમાં પાણી ભરાઈ જવું એ દુકાનદારો અને તેમના કર્મચારીઓ માટે જોખમી છે. એપીએમસીએ લોકોના આરોગ્યનું ધ્યાન રાખીને પણ આવી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ, જેમાં તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. અમારી હાલત તો પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવા જેવી છે. અમે ફરિયાદ કરીએ તો અમારા જ નેતાઓ અમારાથી નારાજ થઈ જાય છે.’
પાણી ભરાવવાની ગઈ કાલની ફરિયાદ બાબતે એપીએમસીના દાણાબંદરના ડિરેકટર નીલેશ વીરા અને ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એપીએમસીએ છ મહિના પહેલાં ગટર અને સિવરેજની લાઈનો રિપેર કરી છે. આ ચોમાસાની સિઝનમાં અમારી માર્કેટમાં પાણી ભરાવાની ફરિયાદ નહોતી. ‘એમ’ ગલી નીચાણમાં આવેલી હોવાથી જોરદાર વરસાદમાં પાણી ભરાયાં હશે. કદાચ કોઈ જગ્યાએ ચોકઅપ થઈ ગયું હશે. અમારી પાસે કોઈ દુકાનદારોની ફરિયાદ આવી નથી.’

mumbai mumbai news apmc market