અંધેરી-ઈસ્ટમાં ત્રણ મહિનાથી કરવામાં આવેલા ખોદકામને લીધે પબ્લિક ને દુકાનદારો ત્રાસ્યાં

21 December, 2012 07:27 AM IST  | 

અંધેરી-ઈસ્ટમાં ત્રણ મહિનાથી કરવામાં આવેલા ખોદકામને લીધે પબ્લિક ને દુકાનદારો ત્રાસ્યાં



અરસા હોટેલની સામે કરવામાં આવેલા ખોદકામથી ત્રાસી ગયેલા હોટેલના મૅનેજરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેટ્રોના ચાલી રહેલા કામને કારણે એમએમઆરડીએ દ્વારા ત્રણ મહિનાથી અહીં હોટેલની સામે ખોદકામ કરવામાં આવ્યું છે જેનું આજ સુધી કોઈ નિરાકરણ થયું નથી. એમએમઆરડીએના અધિકારીઓ લાંબા સમયથી કામને આમ જ મૂકીને ગયા હોવાથી અમારા ગ્રાહકોની સંખ્યા પર તો અસર થઈ જ છે, સાથે-સાથે અહીંથી પસાર થતા રાહદારીઓને પણ ત્રાસ થાય છે.’

એમઆઇડીસીમાં કામ કરતા રોહિત શાહ સાથે વાત કરતાં તેણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એમએમઆરડીએએ અહીં ઘણા લાંબા સમયથી ખોદકામ કરીને મૂકી દીધું છે, પરંતુ એનો નિકાલ કરવામાં આવતો નથી કે કોઈ અધિકારી દ્વારા નોંધ પણ લેવામાં આવતી નથી. એમએમઆરડીએની બેદરકારીને લીધે જનતાને આ મુશ્કેલીના ભોગ બનવું પડે છે. મેં ઘણાં બાળકો તેમ જ સિનિયર સિટિઝનોને આ ખાડામાં પડી જતાં જોયાં છે. ખોદકામની આજુબાજુ મૂકેલાં બૅરિકેડ્સ પણ ખોદેલા ખાડાઓમાં પડી ગયાં છે તેમ જ ત્યાંથી પસાર થતા લોકો ત્યાં કચરો નાખતા હોવાથી ખોદકામનું ધીરે-ધીરે કચરાપેટીમાં રૂપાંતર થતું જાય છે.’

આ વિશે એમએમઆરડીએના સિનિયર અધિકારી સાથે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેટ્રોના ચાલી રહેલા કામને પગલે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે અને અમુક કારણોસર વિલંબ થતાં એ કામ પૂરું થઈ શક્યું નથી. અમે જલ્ાદી જ આ કામ પૂર્ણ કરીશું જેથી લોકોને હાલાકી ભોગવવી પડે નહીં.’