અંધેરી આરટીઓનું નવું બિલ્ડિંગ વિવાદમાં ફસાયું

01 October, 2012 05:32 AM IST  | 

અંધેરી આરટીઓનું નવું બિલ્ડિંગ વિવાદમાં ફસાયું



અંધેરી સ્ર્પોટ્સમાં નવનિર્મિત આરટીઓ ઑફિસનું બિલ્ડિંગ જોતાં અહીં રાતોરાત ઑફિસ શરૂ થઈ શકે એમ લાગે છે; પરંતુ રાજકીય વિવાદોમાં સપડાયેલો આ પ્રોજેક્ટ જલદીથી પૂરો થાય એમ લાગતો નથી, કારણ કે યલો તથા બ્રાઉન કલરના ત્રણ માળના આ બિલ્ડિંગના ઇન્ટીરિયર તથા ફર્નિચરનું કામકાજ બાકી છે. ફ્લોર પર સિમેન્ટની થેલીઓ તેમ જ અન્ય બિલ્ડિંગ મટીરિયલ વેરવિખેર હાલતમાં છે. બિલ્ડિંગની ફરતે ખાડા, રોડાં, અસમથળ જમીન તેમ જ કાટમાળ પડ્યાં છે તેમ જ બિલ્ડિંગના મજૂરોનાં ઘણાં ઝૂંપડાંઓ પણ છે. વર્તમાન બિલ્ડિંગની સામે જ આ બિલ્ડિંગ બને છે. વળી અસમથળ જમીનમાં જ લાઇસન્સ આપનારા અધિકારીઓ ટેસ્ટ લેવાનું કામ કરતા હોય છે.

સ્લમ રીહૅબિલિટેશન સ્કીમ (એસઆરએસ) અંતર્ગત ૨૦૦૬માં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે (પીડબ્લ્યુડી) ૧૫.૫૨ કરોડ રૂપિયાના ખર્ચે ૭૦૦૦ સ્ક્વેરમીટરના પ્લૉટમાં આ પ્રસ્તાવિત બિલ્ડિંગ બનાવવાનું કામ મેસર્સ કે. એસ. ચમનકરને સોંપ્યું હતું, જે છ વર્ષ પછી પણ હજી પૂરું થયું નથી. આ બિલ્ડિંગનો કબજો ક્યારે મળશે એની રાહ જોઈને આરટીઓના અધિકારીઓ થાકી ગયા છે, કારણ કે દિવસે ને દિવસે લાઇસન્સ મેળવવા માગતા લોકોની ભીડ વધતી જાય છે તેમ જ હાલની ઑફિસની જગ્યાએ તમામ કામકાજ થઈ શકે એમ નથી.

આરટીઓના એક અધિકારીએ કરેલા દાવા મુજબ રાજકીય વિવાદોમાં સપડાયેલું હોવાથી આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થાય એમ હાલ તો લાગતું નથી. ડેવલપર મેસર્સ કે. એસ. ચમનકર વિરુદ્ધ બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ તાજેતરમાં જાહેર હિતની એક અરજી દાખલ કરી હતી. ચમનકરને અંધેરીમાં આરટીઓ બિલ્ડિંગ તથા દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનના નર્મિણનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. પોતાની અરજીમાં જાહેર બાંધકામ ખાતાના મિનિસ્ટર છગન ભુજબળ વિરુદ્ધ કિરીટ સોમૈયા દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિશે માહિતી મેળવવા માટે ડેવલપર સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી